
આસારામના પત્નીની પરિસ્થિતિ સારી અને સ્થિર હોવાનું તારણ પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર કોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, અમને અરજદારની અરજી મંજૂર કરવાનું કોઈ કારણ જણાતું નથી રેપ કેસમાં સજા ભોગવી રહેલા આસારામને હંગામી જામીન આપવાનો હાઈકોર્ટે ઈનકાર કર્યાે છે. આસારામે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પોતાની પત્નીને મળવા માટે માનવતાના ધોરણે ૨૦ દિવસની મુક્તિની માગણી કરી હતી. જાેકે, જસ્ટિસ ગીતા ગોપી અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે આસારામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની પત્ની સાથે વાતચીત કરવાની મંજૂરી આપી હતી અને એવું તારણ પણ આપ્યું હતું કે તેમની પરિસ્થિતિ સારી અને સ્થિર છે. આ કેસમાં કોર્ટે મંગળવારે સ્થાનિક પોલીસને આસારામની પત્નીની સ્વાસ્થ્ય સ્થિતિની ચકાસણી કરવા અને તેનો અહેવાલ રજૂ કરવાનો ર્નિદેશ આપ્યો હતો. આજે બુધવારે મહિલા ક્રાઈમ સેલના આસિ.કમિશનર ઓફ પોલીસે હોસ્પિટલના પત્ર અને તેમની સારવાર કરી રહેલા બે ડોક્ટરના નિવેદનો સાથેનો અહેવાલ કોર્ટ સમક્ષ મૂકાયો હતો. આસારામ વતી હાજર રહેલા વકીલે રજૂઆત કરી હતી કે આસારામ ૮૬ વર્ષના છે અને તેમની પત્ની ૮૩ વર્ષની છે તથા તેમને પત્નીના સ્વાસ્થ્યની ચિંતા હતી. આ અરજીનો સૈદ્ધાંતિક વિરોધ કરતા સરકારી વકીલે ડોક્ટરોના નિવેદનોનો હવાલો આપતા જણાવ્યું હતું કે આસારામની પત્ની સારવાર બાદ તંદુરસ્ત જણાઈ રહ્યા છે અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળવાની શક્યતા છે.સરકારી વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે આસારામને મુક્ત કરવા પડે તેવી કોઈ તાકીદની પરિસ્થિતિ નિર્માણ થઈ નથી. કારણ કે,તેમની પત્નીની સારવાર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થઈ રહી છે અને તેઓ તેમના સંબંધીઓ તથા અંગત ડોક્ટરની દેખરેખ હેઠળ છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે પોલીસ અહેવાલમાં પણ જણાવાયું હતું કે પત્નીનું સ્વાસ્થ્ય સારવાર બાદ સ્થિર છે અને બંને ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો હતો કે તેમને બે-ત્રણ દિવસમાં રજા આપવામાં આવશે.કોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, અમને અરજદારની અરજી મંજૂર કરવાનું કોઈ કારણ જણાતું નથી, જે હાલમાં રાજસ્થાનની જેલમાં છે. જાેકે, કોર્ટે આસારામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની પત્ની સાથે વાતચીત કરવા માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી પરવાનગી મેળવવાની છૂટ આપી હતી.




