
તેમની સ્થિતિ વર્તમાનમાં સ્થિર છે સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થયા ૭૯ વર્ષીય સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણના કારણે સતત ખાંસીની સમસ્યાથી પીડિત હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને શ્વાસ લેવામાં તકલીફ અને જૂના બ્રોંકિયલ અસ્થમાની સમસ્યાના કારણે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર છે. ચેસ્ટ મેડિસિન નિષ્ણાતની એક ટીમ તેમની તપાસ કરી રહી છે. જાેકે હોસ્પિટલ મેનેજમેન્ટ અને પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તેમની સ્થિતિ વર્તમાનમાં સ્થિર છે અને તેમને સાવધાની તરીકે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ૭૯ વર્ષીય સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણના કારણે સતત ખાંસીની સમસ્યાથી પીડિત હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની મેડિકલ હિસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં શ્વસન સંબંધિત સમસ્યાઓ અને સંક્રમણ સાથે જાેડાયેલી રહી છે. ૭૯ વર્ષિય સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર દિલ્હીના વધતા પ્રદૂષણ અને મૌસમના બદલાવની ગંભીર અસર જાેવા મળી રહી છે.
સોનિયા ગાંધી લાંબા સમયથી બ્રોંકિયલ અસ્થમા અને ક્રોનિક કફ સાથે જાેડાયેલી રહી છે. દિલ્હીની ઝેરી હવા અને ઠંડી તેમના ફેફસામાં સંક્રમણ વધારે છે. જાન્યુઆરી ૨૦૨૬માં પણ તેમને આ જ કારણે ૬ દિવસ સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. જૂન ૨૦૨૨માં સોનિયા ગાંધીને કોરોના થયો હતો. ત્યારબાદ તેમના લોવર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ફંગલ ઇન્ફેક્શન થયું હતું. આ કારણે તેમને લાંબા સમય સુધી ડોક્ટરની દેખરેખ હેઠળ રહેવું પડ્યું હતું અને તેમના ફેફસાં પર તેની કાયમી અસર થઈ છે.
શ્વાસની સમસ્યાઓ સિવાય, સોનિયા ગાંધીને વારંવાર પેટમાં ઇન્ફેક્શન થતું રહે છે. જૂન ૨૦૨૫ અને ફેબ્રુઆરી ૨૦૨૪માં તેમને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ, ઉંમર વધતા તેમના પાચનતંત્રમાં સંવેદનશીલતા વધી છે.
વર્ષ ૨૦૧૧માં સોનિયા ગાંધીની અમેરિકા ખાતે મોટી સર્જરી કરવામાં આવી હતી, જેને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. ત્યારથી તેઓ નિયમિત ચેકઅપ માટે વિદેશ જતી રહે છે.




