
ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાદા ખતરનાક? એક બાજુ શાંતિની વાતો, બીજી બાજુ હજારો સૈનિક મિડલ ઈસ્ટ રવાના આ ટુકડીમાં પ્રથમ બ્રિગેડ કોમ્બેટ ટીમની સાથે ડિવિઝન કમાન્ડર મેજર જનરલ બ્રેન્ડન ટેગ્ટમેયર પણ સામેલ હશે મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ એક મોટું સૈન્ય પગલું ભર્યું છે. એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્લાન અને શાંતિ પ્રયાસોની ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકન સેના પોતાની સૌથી ખતરનાક ગણાતી ૮૨મી એરબોર્ન ડિવિઝનના અંદાજે ૧,૦૦૦ સૈનિકોને મિડલ ઈસ્ટ મોકલવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ સૈનિકો આગામી થોડા દિવસોમાં રવાના થશે. આ યુનિટની ખાસિયત એ છે કે તેને ખૂબ જ ઓછા સમયમાં દુનિયાના કોઈપણ ખૂણે તૈનાત કરી શકાય છે, તેથી જ તેને અમેરિકાનું ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ માનવામાં આવે છે. આ ટુકડીમાં પ્રથમ બ્રિગેડ કોમ્બેટ ટીમની સાથે ડિવિઝન કમાન્ડર મેજર જનરલ બ્રેન્ડન ટેગ્ટમેયર પણ સામેલ હશે.
જાેકે, સૈનિકોની ચોક્કસ સંખ્યાને લઈને અલગ-અલગ અહેવાલો સામે આવતા સસ્પેન્સ સર્જાયું છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં ૧,૦૦૦ સૈનિકોની વાત છે, ત્યાં અન્યનો દાવો છે કે પેન્ટાગોન ૩,૦૦૦ સૈનિકોની આખી યુનિટ તૈનાત કરવાનો આદેશ આપી શકે છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ અમેરિકાએ ૨,૨૦૦ મરીન સૈનિકોને આ વિસ્તારમાં મોકલ્યા હતા, જેમનું મુખ્ય કામ દૂતાવાસોની સુરક્ષા અને નાગરિકોને બહાર કાઢવાનું હોય છે.
આ તૈનાતી પાછળનું મુખ્ય કારણ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનું માનવામાં આવે છે. ૮૨મી એરબોર્ન જેવી ઘાતક યુનિટને મોકલવાનો અર્થ એ છે કે અમેરિકા કોઈપણ યુદ્ધ જેવી સ્થિતિ કે વિવાદિત ક્ષેત્રોને સુરક્ષિત રાખવા માટે પોતાનું બેકઅપ તૈયાર રાખી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્લાનને જમીન પર ઉતારવા અને વાતચીત દરમિયાન અમેરિકાની પકડ મજબૂત રાખવા માટે આ વ્યૂહનીતિ અપનાવવામાં આવી છે.




