
ઓડિશામાં કરુણાંતિકા SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, ૧૦ દર્દીઓના મોત આાગમાં લગભગ પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા : ઓડિશાના મુખ્યમંત્રી અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા ઓડિશાના કટક શહેરની એક હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી. આ દુર્ઘટનામાં ૧૦ દર્દીઓના મોત થયા છે, જ્યારે ૫ ગંભીર રીતે ઘાયલ છે. મુખ્યમંત્રી મોહન માઝી ઘાયલોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે.આ અંગે વિગતે વાત કરીએ તો, ઓડિશાના કટક શહેરમાં આવેલી SCB મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ટ્રોમા કેર ICU માં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત સોમવારે વહેલી સવારે લગભગ ૩ વાગ્યે થયો હતો, જ્યારે હોસ્પિટલના પહેલા માળે ટ્રોમા કેર ઈમરજન્સી વિભાગમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ૧૦ દર્દીઓના મોત થયા છે. જેમાંથી કેટલાકના ICU માં જ ગૂંગળામણને કારણે મોત થયા હતા, જ્યારે કેટલાકના અન્યત્ર ખસેડતી વખતે મોત નીપજ્યા હતા. ૫ દર્દીઓની હાલત હજુ પણ અત્યંત ગંભીર છે. હોસ્પિટલ સ્ટાફને પણ કેટલીક ઈજાઓ થઈ છે, પરંતુ તેમની સંખ્યા હજુ પુષ્ટિ થઈ નથી.આગ લાગતાની સાથે જ હોસ્પિટલ સ્ટાફ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક પગલાં લીધા હતા. હોસ્પિટલના પોતાના ફાયર વિભાગે પ્રથમ પ્રતિસાદ આપ્યો હતો અને બહારથી ત્રણ ફાયર ટેન્ડરો પણ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ઝડપી કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ધુમાડા અને આગના કારણે ઘણા દર્દીઓને ભારે તકલીફ થઈ હતી. ICU માં દાખલ ક્રિટિકલ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર હાલતના દર્દીઓને હોસ્પિટલના ન્યૂ મેડિસિન ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે.ઘટના બાદ આરોગ્ય સચિવ, કટકના જિલ્લા કલેક્ટર અને DCP ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ પીડિતોને મળવા ન્યૂ મેડિસિન બિલ્ડિંગ ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો માટે ૨૫ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. SCB મેડિકલ કોલેજ જેવી મોટી સરકારી હોસ્પિટલમાં આ એક મોટી દુર્ઘટના છે. લોકો હવે હોસ્પિટલોમાં સુરક્ષાના માપદંડો પર સવાલો ઉઠાવી રહ્યા છે. આગ કેવી રીતે લાગી અને શું કોઈ બેદરકારી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.




