
અજિંક્ય રહાણેએ અચાનક લીધો મોટો ર્નિણય.રહાણેએ રણજી ટ્રોફી મેચોમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.હૈદરાબાદ સામેની રણજી ટ્રોફી મેચ માટે ૧૭ જાન્યુઆરીએ મુંબઈ ટીમની પસંદગી થવાની છે.અજિંક્ય રહાણે ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. આ પાવરફુલ બેટ્સમેન વર્તમાન રણજી ટ્રોફી સીઝનની બાકીની મેચોમાં મુંબઈ માટે રમશે નહીં. રહાણેએ રણજી ટ્રોફી મેચોમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અજિંક્ય રહાણેએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે તે વ્યક્તિગત કારણોસર સીઝનની રેડ-બોલ મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં. મુંબઈ ટીમ લીગના બીજા તબક્કા માટે નવા ખેલાડીઓની પસંદગી કરશે. રણજી ટ્રોફીમાં મુંબઈની હૈદરાબાદ અને દિલ્હી સામે મહત્વપૂર્ણ મેચ છે. રહાણેએ ૨૦૨૫-૨૬ સ્થાનિક સિઝન પહેલા મુંબઈના કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો ર્નિણય જાહેર કર્યો. આ પછી શાર્દુલ ઠાકુરને મુંબઈનો નવો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો. રહાણેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ ૨૦૨૩-૨૪માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો, જેનાથી સાત વર્ષના દુષ્કાળનો અંત આવ્યો.
ગત સિઝનમાં મુંબઈ રણજી ટ્રોફી સેમિફાઇનલમાં વિદર્ભ સામે હારી ગયું હતું. રહાણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મુંબઈ માટે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ૨૦૦૭થી ૨૦૨૫ સુધી ૮૦ મેચમાં ૫૭.૧૮ની સરેરાશથી ૬૧૪૧ રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે ફક્ત વસીમ જાફરથી પાછળ છે. રહાણેએ મુંબઈ માટે ૧૯ સદી ફટકારી છે.
અજિંક્ય રહાણે માત્ર મુંબઈ અને ભારતીય સ્થાનિક ક્રિકેટ માટે જ નહીં, પરંતુ ભારતીય ટીમ માટે પણ એક અગ્રણી બેટ્સમેન રહ્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ તેણે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીત અપાવી. જુલાઈ ૨૦૨૩થી ભારતીય ટીમની બહાર રહેલા રહાણેએ ભારતીય ટીમ માટે ૮૫ ટેસ્ટમાં ૧૪૪ ઇનિંગ્સમાં ૫૦૭૭ રન બનાવ્યા છે, જેમાં ૧૨ સદી અને ૨૬ અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે ૯૦ વનડેમાં ૩ સદી અને ૨૪ અડધી સદીની મદદથી ૨,૯૬૨ રન અને ૨૦ ટી૨૦માં ૧ અડધી સદીની મદદથી ૩૭૫ રન બનાવ્યા છે.




