
રશિયા-યુક્રેન વચ્ચે સીઝફાયર અમલમા મેલાનિયા ટ્રમ્પની મધ્યસ્થીથી માનવતાવાદી રાહતનો માર્ગ ખૂલ્યો યુક્રેનના દક્ષિણ ભાગમાં આવેલા ખેરસોન ક્ષેત્રના ઓલેશ્કી શહેરમાં ૨૭ ઓક્ટોબરથી સ્થાનિક સ્તરે કામચલાઉ સીઝફાયર
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રાહતના સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના દક્ષિણ ભાગમાં આવેલા ખેરસોન ક્ષેત્રના ઓલેશ્કી શહેરમાં ૨૭ ઓક્ટોબરથી સ્થાનિક સ્તરે કામચલાઉ સીઝફાયર અમલમાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ અંગે જાણકારી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, સીઝફાયરનો વિસ્તાર ઓલેશ્કીથી આગળ વધારીને ખેરસોન ક્ષેત્રના અન્ય વિસ્તારો સુધી વિસ્તૃત કરવામાં આવ્યો છે.
વ્હાઇટ હાઉસે અગાઉ જાહેરાત કરી હતી કે મેલાનિયા ટ્રમ્પની મધ્યસ્થીથી રશિયા અને યુક્રેન વચ્ચે ઓલેશ્કી શહેર માટે કામચલાઉ સીઝફાયર અંગે સમજૂતી થઈ છે. શરૂઆતમાં આ સમજૂતી ૨૯ ઓક્ટોબરથી અમલમાં આવવાની હતી, પરંતુ નાગરિકોની સુરક્ષા અને માનવતાવાદી સહાય ઝડપથી પહોંચાડી શકાય તે માટે તેને બે દિવસ વહેલી અમલમાં મૂકવામાં આવી હતી.
આ સમજૂતીનો મુખ્ય હેતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રી પહોંચાડવાનો અને ત્યાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે. આ માટે બંને દેશો વચ્ચે નિર્ધારિત સુરક્ષિત માર્ગો અને માનવતાવાદી સહાયની વ્યવસ્થા અંગે સંકલન કરવામાં આવ્યું છે.
યુક્રેનના ખેરસોન ક્ષેત્રમાં આવેલું ઓલેશ્કી શહેર રશિયાના નિયંત્રણ હેઠળ છે. યુદ્ધ અને સતત હુમલાઓને કારણે અહીંના નાગરિકો માટે ખોરાક, દવાઓ અને સ્વચ્છ પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. અહેવાલો અનુસાર, શહેરમાં અંદાજે ૧,૭૦૦થી ૨,૦૦૦ લોકો હજુ પણ ફસાયેલા છે. તેમાં મોટી સંખ્યામાં વૃદ્ધોનો સમાવેશ થાય છે. સીઝફાયરથી રાહત સામગ્રી પહોંચાડવા અને શહેર છોડવા ઇચ્છતા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી સરળ બનવાની આશા છે. મેલાનિયા ટ્રમ્પે ૨૭ ઓક્ટોબરે ઠ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે સીઝફાયરનો વિસ્તાર ઓલેશ્કીથી આગળ વધારવામાં આવ્યો છે, જેથી ખેરસોન ક્ષેત્રમાં માનવતાવાદી સહાય લઈને જતા કાફલાઓને સુરક્ષિત માર્ગ મળી શકે.
યુક્રેનના અધિકારીઓ અને રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી પણ સીઝફાયર અમલમાં આવવા અંગે માહિતી આપવામાં આવી હતી. જાેકે, આ સમજૂતી સમગ્ર રશિયા-યુક્રેન યુદ્ધ માટે નહીં, પરંતુ ચોક્કસ વિસ્તાર અને માનવતાવાદી કામગીરી પૂરતી મર્યાદિત છે. અન્ય વિસ્તારોમાં લડાઈ ચાલુ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં આ સ્થાનિક સીઝફાયર નાગરિકોની સુરક્ષા અને રાહત કામગીરીની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જાેકે, આ સમજૂતીથી બંને દેશો વચ્ચેનું વ્યાપક યુદ્ધ સમાપ્ત થયું નથી. હાલ મુખ્ય ધ્યાન ઓલેશ્કી અને આસપાસના વિસ્તારોમાં માનવતાવાદી સહાય પહોંચાડવા તથા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પર છે. આગામી દિવસોમાં સીઝફાયરનું પાલન કેટલું થાય છે અને રાહત કામગીરી કેટલી અસરકારક રહે છે તેના પર સમગ્ર પ્રક્રિયાની સફળતા ર્નિભર રહેશે.




