
સ્પેસએક્સની ઐતિહાસિક સફળતા અંતરિક્ષમાંથી પરત ફરેલા સ્ટારશિપને લોન્ચ ટાવરે હવામાં જ પકડી લીધું ૨૨ કલાકની ઉડાન બાદ શિપ-૪૨નું સફળ લેન્ડિંગ વિશ્વની અગ્રણી અંતરિક્ષ કંપની સ્પેસએક્સે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. કંપનીનું સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ ૨૨ કલાકની ઉડાન બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યું હતું.
ખાસ વાત એ છે કે આ સ્પેસક્રાફ્ટને સામાન્ય રીતે જમીન પર ઉતારવાને બદલે લોન્ચ ટાવર સાથે જાેડાયેલા વિશાળ યાંત્રિક હાથની મદદથી હવામાં જ પકડી લેવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સ્પેસએક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે.
અહેવાલ મુજબ, ૧૪ નવેમ્બરે ટેક્સાસ સ્થિત સ્પેસએક્સના લોન્ચ સ્થળેથી શિપ-૪૨ નામના સ્ટારશિપનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ સ્પેસક્રાફ્ટે આશરે ૨૨ કલાક સુધી ઉડાન ભરી હતી અને પૃથ્વીની આસપાસ ૧૪ ચક્કર લગાવ્યા બાદ ૧૫ નવેમ્બરે પરત ફર્યું હતું. સ્પેસક્રાફ્ટ લોન્ચ ટાવરની નજીક પહોંચ્યું ત્યારે ટાવર પર લગાવવામાં આવેલા બે વિશાળ યાંત્રિક હાથ સક્રિય થયા હતા. આ બંને હાથની મદદથી સ્પેસક્રાફ્ટને હવામાં જ પકડી લેવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો સામે આવતાં અંતરિક્ષ ક્ષેત્રમાં આ ટેક્નોલોજીની ચર્ચા શરૂ થઈ છે. સ્પેસએક્સના લોન્ચ ટાવર પર લગાવવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાને ‘ચોપસ્ટિક્સ‘ તરીકે ઓળખવામાં આવે છે. ટાવર પર હાથની જેમ લગાવવામાં આવેલા બે વિશાળ યાંત્રિક હાથ રોકેટ અથવા સ્પેસક્રાફ્ટને નિયંત્રિત રીતે પકડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ સ્પેસક્રાફ્ટને સુરક્ષિત રીતે પાછું લાવવાની સાથે તેના પુન:ઉપયોગની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. તેના કારણે દરેક વખતના પ્રક્ષેપણ બાદ રોકેટના અલગ-અલગ ભાગોને ફરીથી તૈયાર કરવાની જરૂરિયાત ઘટાડી શકાય છે.
શિપ-૪૨માં બહારની તરફ લગાવવામાં આવેલા કેમેરા દ્વારા ઉડાન દરમિયાનના દૃશ્યો પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. આ વીડિયોથી વૈજ્ઞાનિકોને અંતરિક્ષમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે સ્પેસક્રાફ્ટ પર થતી અસરો સમજવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને પરત ફરવાની પ્રક્રિયા દરમિયાન સ્પેસક્રાફ્ટની સ્થિતિ અને તેની કામગીરીનો અભ્યાસ કરી શકાશે.
સ્પેસએક્સ લાંબા સમયથી ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા રોકેટ અને સ્પેસક્રાફ્ટ વિકસાવવા પર કામ કરી રહી છે. આ ટેક્નોલોજી સફળતાપૂર્વક વિકસે તો પ્રક્ષેપણનો ખર્ચ ઘટાડવામાં અને અંતરિક્ષ યાત્રાને વધુ સુલભ બનાવવામાં મદદ મળી શકે છે. કંપનીના આ પ્રયાસને ભવિષ્યની અંતરિક્ષ યાત્રા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જાેકે, આ ટેક્નોલોજીનો નિયમિત અને વ્યાપક ઉપયોગ શક્ય બને તે માટે હજુ વધુ પરીક્ષણો અને સફળ પ્રક્ષેપણોની જરૂર રહેશે.




