
મન કી બાતમાં PM મોદીની દેશવાસીઓને અપીલ ભોજનમાં તેલનો વપરાશ ૧૦% ઘટાડો, સંચાર સાથીથી ખોવાયેલો ફોન પરત મેળવો મોદીએ નાગરિકોને ભોજનમાં તેલનો વપરાશ ઘટાડવા અને નિયમિત કસરત અપનાવવાની ખાસ અપીલ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૧૪૦મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કરતાં સ્વાસ્થ્ય, સાયબર સુરક્ષા, યુવા શક્તિ, સરકારી કર્મચારીઓની કાર્યદક્ષતા અને ગુજરાતના ઐતિહાસિક વારસા સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
દેશમાં વધતા જતા મોટાપાની સમસ્યાને ગંભીર પડકાર ગણાવતા PM મોદીએ નાગરિકોને ભોજનમાં તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવા અને નિયમિત કસરત અપનાવવાની ખાસ અપીલ કરી હતી. સાયબર સુરક્ષા અને મોબાઈલ ચોરી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે ખોવાયેલા મોબાઈલ ફોનને તેના IMEI નંબર દ્વારા બ્લોક કરવા અને પરત મેળવવા માટે ભારત સરકારનું સંચાર સાથી પોર્ટલ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ૨૩ ભાષાઓમાં ઉપલબ્ધ આ પ્લેટફોર્મ સાથે બેન્કો, પેમેન્ટ એપ્સ, ટેલિકોમ કંપનીઓ અને પોલીસ સહિત ૧,૬૦૦થી વધુ સંસ્થાઓ જાેડાયેલી છે. આ વ્યવસ્થાની મદદથી અત્યાર સુધીમાં સાયબર ઠગાઈને કારણે થનારા રૂ.૫,૦૦૦ કરોડથી વધુના સંભવિત નુકસાનને અટકાવવામાં આવ્યું છે. તેમણે પુણેના હિમાંશુ સિંહ અને નેલ્લોરના વિવેક અલ્હારીના ઉદાહરણ આપી લોકોને અજાણ્યા કોલ પર OTP ન આપવા અને શંકાસ્પદ નંબરોની ફરિયાદ સંચાર સાથી પર કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતની વૈશ્વિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં ઁસ્ મોદીએ જણાવ્યું કે વડનગર સ્થિત અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમને બર્લિનમાં ડિઝાઇન ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ મળ્યો છે, જે આ સન્માન મેળવનારું ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે. અહીં ૫,૦૦૦થી વધુ પ્રાચીન કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્યજીએ વડનગરને ગુજરાતના કાશી તરીકે ઓળખ આપી હોવાનું પણ તેમણે યાદ કર્યું હતું. આ ઉપરાંત, કચ્છની સરહદ ડેરીમાં ઊંટડીના દૂધનું દૈનિક કલેક્શન ૧,૩૦૦ લિટરથી વધીને ૫,૫૦૦ લિટરને પાર પહોંચ્યું હોવાનું અને તેમાંથી બનતી ચોકલેટ, કેસરવાળું દૂધ તથા રાજભોગ આઇસક્રીમ તેમજ સુરતની શ્મિટન ચોકલેટની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી લોકપ્રિયતાની તેમણે પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં વડાપ્રધાને યુવાનોને ડ્રગ્સની લત સામે નશા મુક્ત યુવા અભિયાનમાં જાેડાવા આહ્વાન કર્યું હતું. સાથોસાથ,iGOT કર્મયોગી પ્લેટફોર્મ પર ૧૭ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ ૭,૦૦૦થી વધુ કોર્સ દ્વારા લાખો સરકારી કર્મચારીઓ દ્વારા AI અને સાંકેતિક ભાષા શીખવાની ધગસને બિરદાવી હતી. તેમણે વિશ્વના ટોપ ૧૦૦ મ્યુઝિયમમાં પટનાના બિહાર મ્યુઝિયમને ૯મું (એશિયામાં પ્રથમ) સ્થાન મળવાની સિદ્ધિ અને કેનેડાની સાઈ ધામ ફૂડ બેન્કની સેવાકીય પ્રવૃત્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં તેમણે શીખ ગુરુઓનાં ચિત્રો બનાવનાર કલાકાર શોભા સિંહની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે તેમને યાદ કર્યા હતા અને બંધારણના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનારા બી.એન. રાવને શ્રદ્ધાંજલિ અર્પી હતી.




