
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશ વિદેશમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર વેચતી અગ્રણી કંપની બિસ્લેરી (Bisleri) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) એ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી સ્થિત બિસ્લેરી પ્લાન્ટમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનામાં કોલીફોર્મ બેક્ટેરિયા મળવાના મામલે કંપની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
સદર નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરીની પુષ્ટિ લેબ અને રેફરલ ફૂડ લેબોરેટરી બંને એ કરી છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે થોડા દિવસો પહેલા જ ગોવા સ્થિત બિસ્લેરી પ્લાન્ટના એક નમૂનાને લઈને પણ FSSAI એ કંપની વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી આપી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના તેલીપાડા ગામમાં સ્થિત બિસ્લેરીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી પાણીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનાનો બેચ નંબર PB 201 નો હતો. તપાસમાં કોલીફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા બાદ FSSAI એ ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આ બેચના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘનના મામલે બિસ્લેરી ઈન્ટરનેશનલ વિરુદ્ધ ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, ૨૦૦૬ હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
કોલીફોર્મ બેક્ટેરિયા એવા સૂક્ષ્મજીવોનો સમૂહ છે, જેની હાજરી પાણીમાં સ્વચ્છતા સંબંધિત સમસ્યા અથવા સંભવિત દૂષણનો સંકેત હોઈ શકે છે. આ બેક્ટેરિયા ગટર (સીવેજ) ના લીકેજ, ક્ષતિગ્રસ્ત પાઈપો અથવા પાણી પુરવઠા વ્યવસ્થામાં અન્ય ગરબડો દ્વારા પાણીમાં પહોંચી શકે છે. આ મામલે પ્રાથમિક અને રેફરલ પ્રયોગશાળા, બંનેએ નમૂનામાં કોલીફોર્મ બેક્ટેરિયાની હાજરીની પુષ્ટિ કરી છે.
આખરે પશ્ચિમ બંગાળ અને ગોવાના મામલા બાદ બિસ્લેરીએ ગોવાના મામલે પોતાના પરીક્ષણોનો હવાલો આપતા પાણીને સુરક્ષિત ગણાવ્યું છે, જ્યારે FSSAI એ રેફરલ લેબની તપાસના આધારે કાર્યવાહીની મંજૂરી આપી છે. પેકેજડ પાણીના બજારમાં વધતી તપાસની વચ્ચે હવે સૌની નજર FSSAI ના આગામી પરીક્ષણ રિપોર્ટ્સ અને કંપનીઓ વિરુદ્ધ થનારી આગળની કાર્યવાહી પર રહેશે.




