
પહેલી નોન-સિક્વલ ફિલ્મનો રેકોર્ડ ૨૩ દિવસમાં રામાયણની ૧૦૦૦ કરોડ નેટ કમાણી ફિલ્મ રામાયણે ભારતીય સિનેમાના બોક્સ ઓફિસ પર એક નવો અને ઐતિહાસિક અધ્યાય લખ્યો છે નિતેશ તિવારીના દિગ્દર્શન અને નમિત મલ્હોત્રાના નિર્માણમાં બનેલી રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્મ રામાયણએ ભારતીય સિનેમાના બોક્સ ઓફિસ પર એક નવો અને ઐતિહાસિક અધ્યાય લખ્યો છે. ફિલ્મે રિલીઝના માત્ર ૨૩ દિવસમાં ભારતમાં રૂ.૧૦૦૦ કરોડ નેટ કમાણીનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ તેણે એક એવો અનોખો વિશ્વવિક્રમ બનાવ્યો છે કે આ સિદ્ધિ મેળવનારી તે ભારતીય સિનેમાની પહેલી નોન-સિક્વલ ફિલ્મ બની ગઈ છે.
આંકડાઓની વિગત જાેઈએ તો, ૨૭ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં પોતાનો ૨૩મો દિવસ પૂરો કરતાં ફિલ્મે ભારતમાં આશરે રૂ.૮.૪૫ કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આ સાથે જ તેની ભારતમાં કુલ નેટ કમાણી રૂ.૧૦૦૦.૫૫ કરોડ પર પહોંચી ગઈ છે. ફિલ્મનું ભારતમાં ગ્રોસ કલેક્શન રૂ.૧૧૯૫.૧૦ કરોડ નોંધાયું છે, જ્યારે વિદેશના બોક્સ ઓફિસ પરથી ફિલ્મે આશરે રૂ.૫૯૫ કરોડની કમાણી કરી છે. આમ, રામાયણનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન રૂ.૧૭૯૦.૧૦ કરોડ થઈ ગયું છે. અગાઉ ભારતમાં રૂ.૧૦૦૦ કરોડ નેટ કમાણીનો આંકડો પાર કરનારી પુષ્પા ૨, ધુરંધર ૨ અને બાહુબલી ૨ એમ ત્રણેય ફિલ્મો સિક્વલ હતી, જેમને અગાઉની ફિલ્મોની વાર્તા અને લોકપ્રિયતાનો લાભ મળ્યો હતો. તેની સામે રામાયણએ કોઈ સિક્વલના સહારા વગર આ મુકામ હાંસલ કર્યો છે. સૌથી ઝડપી રૂ.૧૦૦૦ કરોડ કમાવવાની બાબતમાં રામાયણ (૨૩ દિવસ) ભારતીય સિનેમાની ત્રીજી સૌથી ઝડપી ફિલ્મ બની છે, જેમાં પ્રથમ ક્રમે પુષ્પા ૨ અને બીજા ક્રમે ધુરંધર ૨ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે રામાયણએ ૩૫ દિવસમાં આ આંકડો પાર કરનારી એસએસ રાજામૌલીની બાહુબલી ૨ કરતાં ૧૨ દિવસ વહેલા આ સિદ્ધિ મેળવી છે. ઉપરાંત, ૨૦૨૬માં ધુરંધર ૨ બાદ રૂ.૧૦૦૦ કરોડ ક્લબમાં સ્થાન મેળવનારી આ બીજી હિન્દી ફિલ્મ છે.
હવે રામાયણની નજર બાહુબલી ૨ના રૂ.૧૦૩૦.૪૨ કરોડના લાઈફટાઈમ નેટ કલેક્શનનો રેકોર્ડ તોડવા પર છે, જેના માટે ફિલ્મને આશરે રૂ.૨૯.૮૭ કરોડ વધુ કમાવાની જરૂર છે. આ રેકોર્ડ તૂટતાં જ તે ભારતમાં સૌથી વધુ નેટ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા સ્થાને પહોંચી જશે. સાથોસાથ, વર્લ્ડવાઈડ કમાણીમાં ધુરંધર ૨ના આશરે રૂ.૧૮૧૩.૩૯ કરોડના આંકડાને પાર કરવાની પણ ફિલ્મ પાસે તક છે. અભિનેતા યશ માટે પણ આ મોટી સફળતા છે, કારણ કે અગાઉ તેની કેજીએફ ચેપ્ટર ૨ ભારતમાં આશરે રૂ.૮૫૯.૭૦ કરોડ નેટ કમાઈને અટકી હતી. વિવિધ ભાષાઓમાં મળેલી આ સફળતા દર્શાવે છે કે ફિલ્મની લોકપ્રિયતા માત્ર હિન્દી પૂરતી સીમિત રહી નથી.




