
જમીન માફિયા પર કસાયો સકંજાે.૩૦૦ કરોડના કૌભાંડી વિનુ માલવિયા પર ઈકો સેલની તવાઈ.૩૦૦ કરોડની જમીન પચાવી પાડવા માટે આ ભેજાબાજે લોકોને તો ઠીક કોર્ટને પણ ગેરમાર્ગે દોરી હતી.સુરતના કુખ્યાત લેન્ડ ગ્રેબર વિનુ માલવિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. વિનુ માલવિયા કોઈ સામાન્ય ગુનેગાર નથી, તેની વિરુદ્ધ અગાઉ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમીન પચાવી પાડવા અને બોગસ દસ્તાવેજાે ઉભા કરવાના કુલ ૧૨ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર જેલની હવા ખાધી હોવા છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા પોલીસે આ વખતે વેસુની જમીન મામલે કડક હાથે કાર્યવાહી કરી છે.
વિનુ માલવિયાની જે કેસમાં ધરપકડ કરવામાં આવી છે, તેની વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એક જમીન ભાગીદારી પેઢી સોમ રિયાલિટીના નામે નોંધાયેલી છે. જેને પડાવી લેવા માટે આરોપી વિનુ માલવિયા અને પ્રતુલ પટેલે કારસો રચ્યો. આ જમીન નવી શરતની હતી એટલે કલેક્ટરની મંજૂરી વિના વેચાણ થઈ શકે તેમ નહોતી. તેમ છતાં આરોપીએ વર્ષ ૨૦૦૧ની જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી બોગસ લખાણ કર્યા.
જમીન પડાવી લેવા માટે સાટાખત બનાવી પોલીસ અને કોર્ટને ગેરમાર્ગે દોરી. જમીન હડપવા માટે મૂળ જમીન માલિકોની બોગસ સહી અને કેટલાક પક્ષકારો પાસે કોરા કાગળમાં સહી પણ કરાવવામાં આવી. આરોપીએ બનાવટી દસ્તાવેજાે બનાવવાની સાથે કોર્ટમાં ચાલતા કેસમાં ખોટા સોગંદનામા અને પુરાવા રજૂ કર્યા. વિનુ માલવિયાએ માત્ર ૬ લાખ રૂપિયાના નજીવા અવેજવાળા અને નોટરી વગરના સાટાખત ઉભા કરીને કરોડોની આ જમીન પર દાવો માંડ્યો હતો.
તંત્રને છેતરવાનો અને કરોડોનો ચૂનો લગાવવાનો પ્લાન તો વિનુ માલવિયાએ કર્યો, પરંતુ તેની સામે ફરિયાદ થઈ અને ભાંડો ફૂટી ગયો. ૧૨ જેટલા ગુનાઓમાં સંડોવણી હોવા છતાં તે છટકબારીઓ શોધવામાં માહેર હતો, પરંતુ ૩૦૦ કરોડના જમીન કૌભાંડમાં મજબૂત પુરાવાઓ મળતા પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
કાયદાકીય દાવપેચ રમીને ગેરકાયદે કામ કરતો વિનુ માલવિયા હવે પોલીસના સકંજામાં છે. વિનુ માલવિયા સામે જમીન પચાવી પાડવાના પ્રયાસ બદલ અનેક ફરિયાદો થઈ છે.
આ કેસમાં વિનુ માલવિયા સામે મજબૂત પુરાવાઓ મળતા પોલીસને તેને કાયદાનું ભાન કરાવશે તે નક્કી છે.
આ સાથે વિનુ માલવિયાના મદદગારો પર પણ તવાઈ બોલાવવામાં આવી શકે છે. વિનુ માલવિયાની ધરપકડ કરીને પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈપણ લેન્ડ માફિયાને બક્ષવામાં નહીં આવે.




