
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ધ્રાફડ નદી પર સરસઈ ગામે બની રહેલા મેજર બ્રિજ મામલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિધાનસભામાં પૂછાયેલા તેમના સવાલના જવાબમાં સરકારે ડિઝાઇન રિવાઇઝ થવાને કારણે કોઈ નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો હતો. પરંતુ AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અનુસાર આ જવાબ તથ્યવિહિન અને ભ્રામક છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે જૂનાગઢના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર બ્રિજ માટે અગાઉ રૂ. 5.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સુધારેલા અંદાજ મુજબ રૂ. 7.23 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે કુલ ખર્ચમાં રૂ. 1.73 કરોડનો વધારો થયો છે. તેમ છતાં સરકારે વિધાનસભામાં કોઈ નુકસાન ન થયું હોવાનો જવાબ આપ્યો છે, જે સ્પષ્ટ રીતે હકીકતોને છુપાવવાનો પ્રયાસ છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતને કારણે કામ વર્ષોથી અધૂરું છે અને જનતાને પાંચ વર્ષ બાદ પણ બ્રિજની સુવિધા મળી નથી. વિકાસના નામે કરોડો રૂપિયાનું વધારાનું ભારણ જનતા પર મૂકવામાં આવી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે બ્રિજ તો હજુ મળ્યો નથી અને સરકાર વિધાનસભામાં આ મુદ્દે ખોટા જવાબો આપી રહી છે, એ ખૂબ જ દુઃખની બાબત છે.




