
ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર સંકટના વાદળો યુદ્ધ શરૂ થઈ જતા સુરતના ડાયમંડ ઉદ્યોગકારોમાં ચિંતા અગાઉ પણ યુક્રેન-રશિયા યુદ્ધ, ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ વખતે હીરા ઉદ્યોગની હાલત કફોડી બની ચૂકી છે.
ખામેનીના મોત બાદ ઈરાન બરાબરનું વિફર્યું છે. ખામેનેઈના મોત બાદ ઈરાન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે. ઈરાને એક સાથે મિડલ ઈસ્ટના અનેક દેશો પર હુમલો બોલાવી દીધો છે. ત્યારે હવે પરિસ્થિતિ વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી છે.
આવામાં આ યુદ્ધની અસર ગુજરાત પર સીધી રીતે થવાની છે. ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષને કારણે ગુજરાતના અનેક વ્યવસાયને સીધી અસર પડશે. એટલુ જ નહિ, જાે આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો આ વ્યવસાયોમાં ઘાતક મંદી પણ આવી શકે છે.
વિશ્વના વિવિધ દેશો, ખાસ કરીને ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા સહિતના ૧૦ દેશોમાં યુદ્ધનો માહોલ છવાયો છે. ત્યારે આ કારણે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની ચિંતામાં મોટો વધારો થયો છે. હજી તો ટેરિફમાં માંડ રાહત મળી હતી, તેના બાદ વેપારમાં જે તેજીની આશા હતી, તેના પર હવે યુદ્ધના કારણે પાણી ફરી વળ્યું છે. ભારતમાંથી જેમ એન્ડ જ્વેલરીનું વિશ્વભરમાં ૧૦૦% એક્સપોર્ટ થાય છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા આવતા આ સમગ્ર નિકાસ ચેઈન ખોરવાઈ ગઈ છે.
ઈન્ડિયન બુવલિન એન્ડ જ્વેલર્સ એસોયસિયેશનના પ્રમુખ નૈનેશ પચીગરે જણાવ્યું કે, ગુજરાતની કુલ જ્વેલરી નિકાસમાં ૩૫% હિસ્સો માત્ર અમેરિકાનો છે. યુદ્ધની સ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્ર નબળું પડતા અમેરિકા તરફથી આવતા ઓર્ડરમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. તો તાજેતરમાં જ ડાયમંડ જ્વેલરી પર ટેરિફ ૦% કરવામાં આવ્યો હતો. જેનાથી વેપારીઓમાં ભારે ઉત્સાહ હતો. પરંતુ હવે યુદ્ધના કારણે આ શૂન્ય ટકા ટેરિફનો લાભ લેવા માટે બજારમાં જાેઈએ તેવી માંગ જ રહી નથી.
યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં એર કાર્ગો ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ બંધ થવાને કારણે તૈયાર માલ વિદેશ મોકલી શકાતો નથી. જેના લીધે કરોડો રૂપિયાનો માલ અટવાયો છે. વેપાર પર થનારી આ ૧૦૦% નકારાત્મક અસર માત્ર મોટા ઉદ્યોગપતિઓ સુધી સીમિત નહીં રહે. જાે લાંબા સમય સુધી એક્સપોર્ટ બંધ રહેશે, તો તેની સીધી અસર સુરત અને અન્ય કેન્દ્રોના નાના રત્ન કલાકારો પર પડશે. કામ ઓછું થવાથી કારીગરોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર અત્યારથી જ સતાવી રહ્યો છે.
એક તરફ સરકાર તરફથી ટેરિફમાં રાહત મળી હતી, ત્યારે બીજી તરફ યુદ્ધની સ્થિતિએ હીરા ઉદ્યોગને ફરી એકવાર મુશ્કેલ સમયમાં ધકેલી દીધો છે. જાે યુદ્ધ લાંબુ ખેંચાશે તો વૈશ્વિક સ્તરે હીરાની માંગમાં ઘટાડો થશે અને પેમેન્ટ ફસાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.




