
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતમાં અમીર-ગરીબની ખીણ બહુ મોટી છે. આ આર્થિક અસમાનતામાં અમીરોની સંખ્યા નજીવી જ્યારે ગરીબોની સંખ્યા ખૂબ મોટી છે અને દેશનો મોટા ભાગનો વર્ગ મજૂર ,ખેડૂત, કામદાર કે નોકરિયાત છે અને અંદાજે ૧૦૦ કરોડની સંખ્યાને આંબી જનારા આ વર્ગની સમસ્યાઓ તેમની વસ્તી જેટલી જ વિશાળ છે ત્યારે હાલ જે કપરા સંજોગો સવર્ત્ર પ્રવર્તી રહ્યા છે. અને વિકસિત દેશોમાં પણ મોંધવારી ફાટી નીકળી છે. અને આ દેશોના સમૃધ્ધ નાગરિકો માટે પણ જીવવું દોહ્યલુ થઈ પડયું છે.
ત્યારે ભારત જેવા વિકાસશીલ અને વિશાળ દેશમાં આ સમસ્યા કેટલી ગંભીર થઈ ગઈ છે એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ અને હાલમાં દેશભરમાંથી જે રીતે કામદારો-મજૂરોમાં ફેલાઈ રહેલા અસંતોષના સમાચારો જે રીતે સામે આવી રહયા છે. એ બહુ જ ચિંતાજનક છે.
આપણે અહીં માત્ર કામદારોની જ વાત નથી પરંતુ દેશના દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે. આ પ્રકારનો વિરોધ સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ પોતાની માંગણીઓને અસરકારક રીતે રજૂ કરવાના માધ્યમ તરીકે કામ કરી શકે છે. જો કે ગત સોમવારે ઉત્તર પ્રદેશના નોઇડામાં પોતાની માંગણીઓ પર દબાણ લાવવા માટે રસ્તા પર ઉતરેલા કામદારોનું વિરોધ પ્રદર્શન હિંસા અને આગચંપીમાં પરિણમયું તે ખરેખર ચિંતાજનક છે. છેલ્લે ફેકટરી મેનેજમેન્ટે પણ કામદારોની માંગણીઓ પર યોગ્ય વિચારણા કરવાની અને પરસ્પર સર્વસંમતિથી આ મુદ્દાઓને ઉકેલવા માટે કામ કરવાની જવાબદારી લેવી જોઈએ.




