
ચીનનો સાઈલન્ટ એટેક યુદ્ધની આડમાં અનાજ-ખાતરની સંગ્રહખોરી ભારત પહેલેથી જ ઇરાન યુદ્ધના કારણે મોંઘા ક્રૂડ ઓઇલનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ખાતરની આ અછત ભારત પર નાણાકીય બોજ વધારી શકે છે
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. તેલની કિંમતો આસમાને પહોંચી છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ કટોકટી વચ્ચે ચીન ગુપ્ત રીતે અનાજ, ખાદ્ય સામગ્રી અને ખાતરનો મોટો સ્ટોક તૈયાર કરી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ બેન્કના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે એક ઇન્ટરવ્યૂમાં ચેતવણી આપી છે કે ચીન દુનિયાનો સૌથી મોટો અનાજ અને ખાતરનો ભંડાર ઉભો કરી રહ્યું છે. તેમણે બેઇજિંગમાં યોજાનારી ટ્રમ્પ અને શી જિનપિંગની સમિટ પહેલા ચીનને આ જમાખોરી તાત્કાલિક બંધ કરવા અપીલ કરી છે જેથી વૈશ્વિક પુરવઠા સંકટને ઘટાડી શકાય.
ચીનના આ પગલાથી ભારત જેવા કૃષિપ્રધાન દેશોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચીને માર્ચ મહિનાની શરૂઆતથી જ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ ભારત જે યુરિયા ૫૧૨ ડૉલર પ્રતિ ટન ખરીદતું હતું, તેની કિંમત હવે વધીને ૯૫૯ ડૉલર પ્રતિ ટન થઈ ગઈ છે. એટલે કે ભારત ખાતર માટે લગભગ બમણી કિંમત ચૂકવી રહ્યું છે. જાે ખાતર મોંઘું થશે તો ખેતીનો ખર્ચ વધશે અને તેના કારણે અંતે ખાવા-પીવાની ચીજવસ્તુઓ મોંઘી થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે. ભારત પહેલેથી જ ઇરાન યુદ્ધના કારણે મોંઘા ક્રૂડ ઓઇલનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ખાતરની આ અછત ભારત પર નાણાકીય બોજ વધારી શકે છે.
નિષ્ણાતોના મતે ચીનનું આ પગલું માત્ર સુરક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ એક મોટી વ્યુહરચના છે. ઈરાન યુદ્ધના કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ‘ બંધ છે, જેનાથી દરિયાઈ વેપાર ઠપ થયો છે. ચીનને ડર છે કે જાે લાંબા સમય સુધી આ સ્થિતિ રહેશે તો તેના દેશમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજું કારણ એ છે કે અનાજ અને ખાતર પર નિયંત્રણ મેળવીને ચીન વૈશ્વિક રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. જ્યારે દુનિયામાં આ વસ્તુઓની અછત સર્જાશે ત્યારે ચીન પોતાના ભંડારનો ઉપયોગ કરીને મોટો નફો કમાઈ શકે છે અને અન્ય દેશો પર દબાણ બનાવી શકે છે.હાલમાં યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈરાન અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષની અસર ભારત સહિતના આયાત પર ર્નિભર દેશો પર સૌથી વધુ પડી રહી છે. ચીન દ્વારા લેવામાં આવેલા આ નિકાસબંધીના ર્નિણયને કારણે ઇંધણ અને ખાતરની સપ્લાય ખોરવાઈ ગઈ છે. આ સ્થિતિમાં હવે દુનિયાની નજર ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત પર ટકેલી છે કે શું ચીન જમાખોરી બંધ કરીને વૈશ્વિક બજારમાં રાહત આપશે કે નહીં.



