
મહારાષ્ટ્ર-રાજસ્થાનમાંથી પ્રશ્નપત્રોની પ્રિન્ટ કાઢીને વેચવાના પુરાવા મળ્યા નીટ પેપર લીક કાંડમાં CBI દ્વારા વધુ બે ધરપકડ સીબીઆઈએ અત્યાર સુધીમાં અલગ-અલગ ૪૯ સ્થળોએ તપાસ કરી છે અને ઘણા મહત્વના દસ્તાવેજાે, લેપટોપ તથા મોબાઈલ ફોન જપ્ત કર્યા મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશ માટેની નીટ-યુજી પેપર લીક મામલામાં સીબીઆઈ એ બુધવારે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રથમ આરોપીની ઓળખ લાતૂરના રહેવાસી ડો. મનોજ શિરુરે તરીકે થઈ છે. ડો. મનોજે એક કોચિંગ સેન્ટરના માલિક (જે પોતે પણ આરોપી છે)ના પુત્ર સહિત ત્રણ વિદ્યાર્થીઓને આરોપી પી.વી. કુલકર્ણી પાસેથી કેમિસ્ટ્રીનું પ્રશ્નપત્ર અપાવ્યું હતું. બીજાે આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત ‘ડો. અભંગ પ્રભુ મેડિકલ એકેડેમી’માં ફિઝિક્સ ભણાવે છે. તેને નીટ પરીક્ષાના લીક થયેલા ફિઝિક્સના પ્રશ્નો અગાઉ ધરપકડ કરાયેલી આરોપી મનીષા હવાલદાર પાસેથી મળ્યા હતા.આ મામલામાં સમગ્ર કડી અને કાવતરાનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલુ છે. સીબીઆઈએ અત્યાર સુધીમાં અલગ-અલગ ૪૯ સ્થળોએ તપાસ કરી છે અને ઘણા મહત્વના દસ્તાવેજાે, લેપટોપ તથા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ મામલામાં અત્યાર સુધીમાં કુલ ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સીબીઆઈની તપાસમાં ખુલાસો થયો છે કે નીટનું પેપર પાંચ રાજ્યોમાં વેચાયું હતું. સૌથી વધુ વેચાણ મહારાષ્ટ્રમાં થયું હતું અને બીજા ક્રમે રાજસ્થાન છે.સીબીઆઈનું કહેવું છે કે પેપર લીકનો આ મામલો હજુ પણ ધારણા કરતાં વધુ મોટો નીકળી શકે છે. એજન્સી હાલ એ નક્કી કરી શકી નથી કે કેટલા વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યું હતું. સીબીઆઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પેપરના પ્રિન્ટ કાઢીને વેચવાના પુરાવા મળ્યા છે. પેપર લીકનું સૌથી મોટું કેન્દ્ર મહારાષ્ટ્ર હતું. અહીંથી જ રાજસ્થાન અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સુધી ‘ક્વેશ્ચન બેંક’ પહોંચી હતી.આગામી ૨૧ જૂનના રોજ યોજનારી નીટ-યુજી, ૨૦૨૬ની પુન: યોજનારી પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઈસરોના પૂર્વ ચેરમેન કે. રાધાકૃષ્ણન સાથે બેઠક યોજી હતી. રાધાકૃષ્ણન, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં રાધાકૃષ્ણન કમિટીની ભલામણોના અમલનું નિરીક્ષણ કરવા માટેની ઉચ્ચ સમિતિના ચેરમેન પણ છે. પ્રધાન અને રાધાકૃષ્ણન વચ્ચે પરીક્ષાની પ્રક્રિયાને મજબૂત બનાવવા તથા તેની દેખરેખની વ્યવસ્થા ચુસ્ત બનાવવા માટે લેવાયેલાં વિવિધ પગલાં અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જાેશી, એનટીએના મહાસચિવ અભિષેક સિંઘ સહિતના એનટીએના અધિકારીઓએ ભાગ લીધો હતો.



