
ગરૂડ પુરાણ અનુસાર શ્રાદ્ધનું મહત્વ
ગરૂડ પુરાણ એ સનાતન ધર્મના અઢાર મહાપુરાણોમાંનું એક અત્યંત મહત્વપૂર્ણ અને લોકપ્રિય પુરાણ છે.હિન્દુ પરંપરા અનુસાર આ પુરાણને ભગવાન વિષ્ણુ દ્વારા ગરૂડજીને કહેવામાં આવેલું જ્ઞાન માનવામાં આવે છે.ગરૂડ પુરાણના બે મુખ્ય ભાગ છે-પૂર્વખંડ અને ઉત્તરખંડ જેને પ્રેતકલ્પ પણ કહેવામાં આવે છે.આ પુરાણમાં માનવ જીવનના જન્મથી લઈને મૃત્યુ પછીની યાત્રા, પરલોક,મુક્તિ,સદગતિ અને પિતૃઓ માટેના શ્રાદ્ધ-તર્પણ જેવા વિષયોનું અત્યંત સૂક્ષ્મ અને વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. પિતૃઋણમાંથી મુક્તિ મેળવવા અને મૃત આત્માઓની શાંતિ માટે ગરૂડ પુરાણમાં શ્રાદ્ધ વિધિને અનિવાર્ય અને વિશેષ મહત્વની ગણાવવામાં આવી છે.
ગરૂડ પુરાણમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મમાં મનુષ્યના જન્મ સાથે જ તેના પર ત્રણ મુખ્ય ઋણો રહે છેઃદેવઋણ,ઋષિઋણ અને પિતૃઋણ.આમાંથી પિતૃઋણમાંથી મુક્તિ મેળવવાનો સર્વોત્તમ માર્ગ શ્રાદ્ધ અને પિતૃકર્મ છે.ગરૂડ પુરાણ અનુસાર જે સંતાન શ્રાદ્ધ નથી કરતા તેમના પિતૃઓ અસંતુષ્ટ થઈને શ્રાપ આપી શકે છે જેના કારણે પરિવારમાં અશાંતિ,વંશવૃદ્ધિમાં અટકાવ,આર્થિક સંકટો અને અનેક પ્રકારની કષ્ટદાયક પરિસ્થિતિઓ ઊભી થાય છે.
શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા પરથી બન્યો છે એટલે કે જે કાર્ય સાચી શ્રદ્ધા-આદર અને ભાવ સાથે પોતાના પૂર્વજો પ્રત્યે વ્યક્ત કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.ગરૂડ પુરાણ સ્પષ્ટ કરે છે કે શ્રાદ્ધ એ માત્ર ભોજન કરાવવાની વિધિ નથી પરંતુ મૃત આત્માઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે.શ્રાદ્ધ દ્વારા પિતૃઓ તૃપ્ત થાય છે અને બદલામાં તેઓ પોતાના વંશજોને દીર્ઘાયુ,વિદ્યા,યશ,ધન,વૈભવ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
શ્રાદ્ધના મુખ્ય પ્રકારો ગરૂડ પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં સમય,સંજોગો અને હેતુઓ અનુસાર શ્રાદ્ધના વિવિધ પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. નિત્ય શ્રાદ્ધ..નિત્ય શ્રાદ્ધ એટલે જે કર્મ દરરોજ કરવામાં આવે છે.આ શ્રાદ્ધમાં કોઈ પિંડદાનની જરૂર હોતી નથી અને તેના માટે કોઈ ચોક્કસ દિવસ કે તિથિની રાહ જોવી પડતી નથી.રોજિંદા જીવનમાં સવારે સ્નાન કર્યા પછી પિતૃઓનું સ્મરણ કરીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને અર્પણ કરવામાં આવતું જળ- તર્પણ એ નિત્ય શ્રાદ્ધ છે.આ ઉપરાંત ભોજન બનાવતી વખતે અગ્નિમાં કે ગાય-શ્વાન અને પક્ષીઓ માટે કાઢવામાં આવતો અન્નનો ભાગ પણ નિત્ય શ્રાદ્ધનો જ એક ભાગ છે.શાસ્ત્રો અનુસાર જે ઘરમાં નિત્ય શ્રાદ્ધ થાય છે ત્યાં પિતૃઓ ક્યારેય તરસ્યા કે ભૂખ્યા રહેતા નથી.
નૈમિત્તિક શ્રાદ્ધ..નૈમિત્તિક શ્રાદ્ધ એટલે કોઈ ચોક્કસ નિમિત્ત-કારણ કે પ્રસંગને આધીન કરવામાં આવતું શ્રાદ્ધ. વ્યક્તિના મૃત્યુ પછી તેના સંસ્કારના ભાગરૂપે અને ત્યારબાદ દર વર્ષે જે તે મૃત્યુ તિથિએ કરવામાં આવતું 'સાંવત્સરિક શ્રાદ્ધ (વરસી) આ શ્રેણીમાં આવે છે.આ શ્રાદ્ધમાં માત્ર એક જ પિતૃને મુખ્ય રાખીને પિંડદાન અને વિધિ કરવામાં આવતી હોવાથી તેને એકોદ્દિષ્ટ શ્રાદ્ધ પણ કહે છે.આ શ્રાદ્ધ ચોક્કસ દિવસ કે સંજોગો પૂરતું મર્યાદિત હોય છે તેથી તે નૈમિત્તિક કહેવાય છે. કામ્ય શ્રાદ્ધ..જ્યારે કોઈ વિશિષ્ટ ફળ કે મનોકામના પૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે તેને કામ્ય શ્રાદ્ધ કહેવાય છે. ધન, ધાન્ય, દીર્ઘાયુષ્ય, આરોગ્ય,વિજય કે સ્વર્ગની પ્રાપ્તિ માટે વિવિધ નક્ષત્રો જેમ કે કૃત્તિકા, રોહિણી કે વિશેષ તિથિઓ પર આ શ્રાદ્ધ કરવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ રોગમુક્ત થવા માંગતી હોય કે સંતાનની ઈચ્છા રાખતી હોય તો શાસ્ત્રોક્ત વિધિથી કામ્ય શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.
વૃદ્ધિ શ્રાદ્ધ..પરિવારમાં જ્યારે કોઈ મંગળ પ્રસંગ,ઉત્સવ કે સુખ-સમૃદ્ધિનો અવસર આવે ત્યારે પિતૃઓના આશીર્વાદ અને પરવાનગી લેવા માટે વૃદ્ધિ શ્રાદ્ધ કરવામાં આવે છે,તેને આભ્યુદયિક શ્રાદ્ધ કે નાન્દી શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે.પુત્ર કે પુત્રીના લગ્ન,જનોઈ સંસ્કાર,સીમંતોન્નયન-ખોળો ભરવો કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યોની શરૂઆત પિતૃ પૂજનથી થાય છે.આમાં કુશ-ધરો અને અન્ન દ્વારા પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે જેથી શુભ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે. પાર્વણ શ્રાદ્ધ..દ્વાદશ શ્રાદ્ધમાં પાર્વણ શ્રાદ્ધને સૌથી મહત્વપૂર્ણ અને મોટું શ્રાદ્ધ ગણવામાં આવે છે. પર્વ એટલે કે ખાસ સંક્રાંતિ,અમાસ કે પિતૃપક્ષ ભાદરવા વદ એકમથી અમાસ સુધીનો સમય. આ શ્રાદ્ધમાં માત્ર એક પિતૃ નહીં પરંતુ પિતૃપક્ષ-પિતા,દાદા,પરદાદા અને માતૃપક્ષ-નાના,પરનાના એમ બંને તરફની ત્રણ-ત્રણ પેઢીઓનો ઉલ્લેખ કરીને પિંડદાન કરવામાં આવે છે.પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતું મહાલય શ્રાદ્ધ એ પાર્વણ શ્રાદ્ધનું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
સપિંડન શ્રાદ્ધ…કોઈપણ જીવાત્માના મૃત્યુ પછી તેને પ્રેત લોકમાંથી મુક્તિ અપાવી પિતૃ લોકમાં સ્થાન અપાવવા માટે સપિંડન શ્રાદ્ધ કરવામાં આવે છે.સામાન્ય રીતે આ શ્રાદ્ધ મૃત્યુના બારમા દિવસે કે એક વર્ષ પૂરૂં થતાં કરવામાં આવે છે.શાસ્ત્રો મુજબ આ વિધિમાં મૃતક વ્યક્તિના પિંડને તેના પૂર્વજોના પિંડ સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભેળવી દેવામાં આવે છે.આ પ્રક્રિયા પછી જ મૃત આત્મા સત્તાવાર રીતે પિતૃ બને છે અને પૂજનીય બને છે. ગોષ્ઠી શ્રાદ્ધ..ગોષ્ઠી એટલે સમૂહ, ગોષ્ઠિ કે ચર્ચા. જ્યારે પરિવારના સભ્યો, કુટુંબીજનો, જ્ઞાતિના વડીલો કે વિદ્વાન બ્રાહ્મણો એક સ્થળે એકઠા થઈને પિતૃઓના કલ્યાણ અર્થે સામૂહિક રીતે જે શ્રાદ્ધ કર્મ- ભક્તિ કે દાન કરે છે તેને ગોષ્ઠી શ્રાદ્ધ કહે છે.આ શ્રાદ્ધ આંતરિક સંપ,સંપત્તિના સદુપયોગ અને પિતૃઓ પ્રત્યેના સામૂહિક આદરને દર્શાવે છે. શુદ્ધિ શ્રાદ્ધ..જ્યારે કોઈ પરિવારમાં લાંબા સમયની અશુદ્ધિ જેમકે કોઈ લાંબી બીમારી,સુતક કે અન્ય કોઈ દોષ દૂર કરવાની હોય ત્યારે આત્મશુદ્ધિ અને પરિવારની પ્રગતિ માટે શુદ્ધિ શ્રાદ્ધ કરવામાં આવે છે.આ શ્રાદ્ધ દ્વારા બ્રાહ્મણોને ભોજન કરાવીને,શુદ્ધ મંત્રોના જપ કરીને નકારાત્મક ઉર્જાનો નાશ કરવામાં આવે છે અને પિતૃઓની કૃપાથી ઘરમાં ફરીથી પવિત્રતા સ્થાપિત થાય છે.
કર્માંગ શ્રાદ્ધ..હિંદુ ધર્મમાં સોળ સંસ્કારોનું વર્ણન છે.આ સોળ સંસ્કારો પૈકીના મુખ્ય સંસ્કારોના એક અંગ તરીકે-મુખ્ય કર્મના ભાગ રૂપે જે પિતૃપૂજન કે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને કર્માંગ શ્રાદ્ધ કહેવાય છે.આ શ્રાદ્ધ પાછળનો હેતુ એ છે કે આવનારી નવી પેઢી કે થનારા સંસ્કારો પિતૃઓના આશીર્વાદથી દોષરહિત અને તેજસ્વી બને. દૈવિક શ્રાદ્ધ..દૈવિક શ્રાદ્ધ એ દેવતાઓની પ્રસન્નતા અને પિતૃઓના દેવત્વને જગાડવા માટે કરવામાં આવતું વિશેષ કર્મ છે.આ શ્રાદ્ધમાં હવનની સામગ્રી,ઘી અને અન્નની આહુતિઓ આપીને દેવતાઓ અને પિતૃઓ બંનેને એકસાથે તૃપ્ત કરવામાં આવે છે.આ શ્રાદ્ધ વ્યક્તિને ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જવામાં સહાયક બળે છે.
યાત્રા શ્રાદ્ધ..જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પવિત્ર તીર્થક્ષેત્રની યાત્રાએ જવાનો સંકલ્પ કરે છે કે તીર્થસ્થળે પહોંચે છે ત્યારે આ શ્રાદ્ધ કરવામાં આવે છે.પ્રસ્થાન કરતા પહેલાં ઘરના પિતૃઓની રક્ષા માટે અને તીર્થસ્થળ જેમકે ગયાજી,હરિદ્વાર,કાશી,પ્રભાસ પાટણ,સિદ્ધપુર પર પહોંચીને ત્યાં પિતૃ તર્પણ કરવાથી યાત્રા સફળ થાય છે. તીર્થોમાં કરેલું આ શ્રાદ્ધ પિતૃઓને અક્ષય તૃપ્તિ-ક્યારેય ન ખૂટે તેવી તૃપ્તિ પ્રદાન કરે છે. પુષ્ટિ શ્રાદ્ધ..પુષ્ટિ એટલે પોષણ-ઉન્નતિ કે સમૃદ્ધિ.પોતાના શરીરના આરોગ્ય,વંશવેલાની વૃદ્ધિ,આર્થિક ઉન્નતિ અને શારીરિક-માનસિક બળની પ્રાપ્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને પુષ્ટિ શ્રાદ્ધ કહે છે.ભગવાન વિષ્ણુ અને પિતૃશ્વર દેવતાની કૃપાથી આ શ્રાદ્ધ કરનાર વ્યક્તિનું જીવન સર્વ પ્રકારે પુષ્ટ-સુદ્રઢ બને છે. શ્રાદ્ધના નિયમો અને પદ્ધતિ ગરૂડ પુરાણમાં શ્રાદ્ધ વિધિ માટે યોગ્ય સમય-સ્થાન અને સામગ્રીનું મહત્વ બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે આખો પિતૃપક્ષ કે મૃત વ્યક્તિની તિથિ શ્રાદ્ધ માટે સર્વોત્તમ છે.દિવસમાં કુહૂપ કે અપરાહ્ન કાળ-બપોરના સમયે શ્રાદ્ધ કરવું યોગ્ય માનવામાં આવે છે.શ્રાદ્ધમાં કુશ-એક પ્રકારનું પવિત્ર ઘાસ,તલ-ખાસ કરીને કાળા તલ, જવ, અક્ષત-ચોખા, ગંગાજળ અને ફૂલોનો ઉપયોગ અનિવાર્ય છે. કાળા તલનો ઉપયોગ દુષ્ટ શક્તિઓ અને નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે વિશેષ માનવામાં આવે છે. શ્રાદ્ધ કર્મમાં બ્રાહ્મણ,બ્રહ્મજ્ઞાની મહાત્માઓને ભોજન તેમજ ગાય-કાગડા અને કૂતરા માટે અન્નનો ભાગ કાઢવો શાસ્ત્રસંમત છે.ગરૂડ પુરાણ મુજબ આ જીવો દ્વારા અન્ન ગ્રહણ કરવાથી તે પિતૃઓ સુધી પહોંચે
છે.
શ્રાદ્ધથી થતા આધ્યાત્મિક અને લૌકિક લાભો..
ગરૂડ પુરાણ અનુસાર વિધિવત અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા શ્રાદ્ધથી વંશજોને અસંખ્ય લાભો પ્રાપ્ત થાય છે.શ્રાદ્ધથી પિતૃઓની તૃષા અને ક્ષુધા શાંત થાય છે.જો કોઈ આત્મા અપૂર્ણ ઈચ્છાઓ કે દુઃખોને કારણે અસંતુષ્ટ હોય તો શ્રાદ્ધના પુણ્યબળે તેને ઉચ્ચ ગતિ કે મુક્તિ પ્રાપ્ત થાય છે. પુરાણમાં કહ્યું છે કે જે ઘરમાં નિયમિત પિતૃપૂજા અને શ્રાદ્ધ થાય છે ત્યાં વંશનો નાશ થતો નથી, તે કુળમાં હંમેશાં સંતાનસુખ- સ્વાસ્થ્ય અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થવાથી પરિવાર પર આવનારી અદ્રશ્ય બાધાઓ-અકસ્માતો અને અકાળ મૃત્યુ જેવી આપત્તિઓથી રક્ષણ મળે છે.પોતાના પૂર્વજો પ્રત્યેની ફરજ અદા કરવાથી મનને એક અદભૂત આંતરિક સંતોષ અને શાંતિ મળે છે.પિતૃઋણમાંથી મુક્ત થવાની ભાવના વ્યક્તિને હળવાશ અનુભવાવે છે.ગરૂડ પુરાણની કથા અનુસાર શ્રાદ્ધ કરનાર મનુષ્ય દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય, કીર્તિ, બળ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
સારાંશરૂપે કહી શકાય કે ગરૂડ પુરાણમાં વર્ણવેલી શ્રાદ્ધ પરંપરા માત્ર એક રૂઢિગત ક્રિયા નથી પરંતુ તે જીવતા અને મૃત્યુ પામેલા આત્માઓ વચ્ચેના સેતુ સમાન છે, તે આપણી સંસ્કૃતિના કૃતજ્ઞતાના ભાવને ઉજાગર કરે છે.જે સંતાનો પોતાના માતા-પિતા અને વડીલોને મૃત્યુ પછી પણ યાદ રાખે છે અને તેમના કલ્યાણ અર્થે પ્રાર્થના તથા દાન-પુણ્ય કરે છે તેમને જીવનમાં ક્યારેય અશુભ ફળોનો સામનો કરવો પડતો નથી.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




