
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની અંદર મહેસૂલ વિભાગના કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. આજે તમામ કર્મચારીઓ માસ સી.એલ. (Mass CL) પર છે. તેમની માંગણી બદલી, બઢતી અને જોબ ચાર્ટના અન્ય પ્રશ્નોને લઈને છે. તેમની વાત છે કે આખા વર્ષ દરમિયાન તેઓ ૩૮થી વધુ વાર સરકારને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ સરકાર કોઈ વાત ગંભીરતાથી લેતી નથી. સરકાર વાત ગંભીરતાથી ન લેતી હોવાના કારણે આ તમામ કર્મચારીઓ અત્યારે આજના દિવસે માસ સી.એલ. પર છે. જો સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો સાતમી તારીખથી તમામ લોકો હડતાલ પર ઉતરવાના છે.
જે કર્મચારીઓની માંગણી છે, તેમની સાથે અમે ઊભા છીએ અને સાથે સાથે અમે સરકારને પણ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કર્મચારીઓની જે માંગણીઓ છે તેનું નિરાકરણ કરો. અન્યથા સામાન્ય લોકોને જે હાલાકી પડશે, વહીવટીતંત્રની અંદર જે હાલાકી સર્જાશે અને લોકોના જે નાના-મોટા કામો અટવાઈ જશે, તેના માટે સરકાર જવાબદાર રહેશે. જો એવું થશે તો ચોક્કસથી આમ આદમી પાર્ટી વતી અમે આ મુદ્દે લડાઈમાં પણ ઉતરીશું. એટલા માટે અમે આ આંદોલનને અને કર્મચારીઓની માંગણીઓને સમર્થન આપીએ છીએ તથા સરકારને અપીલ પણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે તેમની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવે, જેથી કરીને હડતાલ ન પડે અને હડતાલ ન પડે તો સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે.




