
મહિલાઓ માટે સારા પાત્રો બહુ ઓછા આવે છે ‘અમે કોઈ અમીર ઘરમાંથી નથી આવતાં, એટલે ક્યારેક ન ગમતું કામ પણ કરવું પડે છે’ : ફાતિમા મહિલાઓનાં પાત્રોમાં પણ ગ્રે શેડ્સ હોય ત્યારે ઘણી વખત તેમને ‘વેમ્પ’ કે ‘ચુડેલ’ જેવા પરંપરાગત સ્ટીરિયોટાઇપમાં રજૂ કરવામાં આવે છે ફાતિમા સના શેખે પોતાની એક દાયકાની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. દંગલમાં ગીતા ફોગટથી લઈને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સુધીના પાત્રો ભજવનારી ફાતિમા હવે નવી વેબ સિરીઝ હુંકારમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં જાેવા મળે છે. જાેકે સનાનું કહેવું છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓ માટે આજે પણ ઊંડાણવાળા અને વિવિધ પરિમાણ ધરાવતા પાત્રોની સંખ્યા ઓછી છે.જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલી હુંકારમાં ફાતિમા એસીપી જસલીન સિંહ સોઇનનું પાત્ર ભજવે છે. સિરીઝમાં એક કિશોર દ્વારા સ્વયંભૂ ધર્મગુરુ પર જાતીય શોષણનો આરોપ મુકવામાં આવે છે અને જસલીન આ કેસની તપાસ કરે છે.ફાતિમાએ કહ્યું કે મહિલાઓ માટે સારા પાત્રો બહુ ઓછા આવે છે. તેનાં મતે પુરુષ કલાકારોને પાત્રોમાં વધુ ઊંડાણ સાથે પોતાની અભિનય ક્ષમતા દર્શાવવાની તકો મળે છે. મહિલાઓનાં પાત્રોમાં પણ ગ્રે શેડ્સ હોય ત્યારે ઘણી વખત તેમને ‘વેમ્પ’ કે ‘ચુડેલ’ જેવા પરંપરાગત સ્ટીરિયોટાઇપમાં રજૂ કરવામાં આવે છે. ફાતિમાનું કહેવું છે કે એક મહિલા પાત્ર એકસાથે ગૂંચવણભર્યું, જટિલ અને માનવીય પણ હોઈ શકે છે.ફાતિમા આ સ્થિતિને માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પુરતી મર્યાદિત માનતી નથી. તેનાં મતે સિનેમા સમાજનું પ્રતિબિંબ છે અને સમાજમાં સ્ત્રી-પુરુષની ભૂમિકાઓ અંગેની સ્પષ્ટ ધારણાઓ પડદા પર પણ જાેવા મળે છે. કલાકારો ક્યારેક પોતાની પસંદગીનું કામ ન મળવા છતાં પ્રોજેક્ટ સ્વીકારે છે તે અંગે ફાતિમાએ સ્પષ્ટ કહ્યું, “અમે કોઈ અમીર ઘરમાંથી તો આવતાં નથી.” તેનાં મતે ઘણી વખત વિકલ્પો મર્યાદિત હોય છે અને જે કંઈ ઉપલબ્ધ હોય તેમાં શ્રેષ્ઠ પસંદગી કરવી પડે છે. કોઈ ફિલ્મ કે શો સફળ થાય તો આગળ અનેક તકો મળે છે, જ્યારે પ્રોજેક્ટ ન ચાલે તો વિકલ્પો પણ ઘટી જાય છે. તેણે કહ્યું કે કલાકાર અલગ પ્રકારનું કામ કરવાની ઇચ્છા રાખે છે, પરંતુ અંતે નિર્માતા પોતે ન હોવાથી આર્થિક જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવી પડે છે.




