
કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઇ.અમદાવાદમાં મતદાન દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી.તાપીના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું.રાજ્યમાં આકરા તડકા વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં મતદાન દરમિયાન બબાલ થઇ હોવાની ઘટના સામે આવી હતી. કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઇ હતી. અહીં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ છે. કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં મારામારીની ઘટના બની છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી જતાં બબાલ થઈ હતી. પોલીસે તમામ કાર્યકર્તાઓને બુથ મથકથી હટાવ્યા હતા.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જાેકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
કુલ બેઠકોમાંથી ૭૩૧ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની ૯,૩૦૮ બેઠકો માટે સીધી ટક્કર જાેવા મળશે. આ બેઠકો માટે કુલ ૨૫,૫૫૧ ઉમેદવારો મેદાનમાં છે, જે પોતાનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે. મતદાનમાં અંદાજે ૪.૧૯ કરોડ મતદારો ભાગ લેશે તેવી અપેક્ષા છે.
મતદારોને ર્નિભયતાપૂર્વક તથા મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરાઇ હતી. સવારે ૭ વાગ્યાથી મતદાન કરવામાં આવી રહ્યું હતું અને સાંજ સુધી ચાલુ રહ્યું હતું. હવે સૌની નજર મતદાન પર કેન્દ્રિત થઈ છે, જ્યાં લોકશાહીના આ મહાપર્વમાં જનતા પોતાનો અંતિમ ર્નિણય આપશે. મતદારોને સુવિધા મળી રહે તે માટે રાજ્યભરમાં કુલ ૪૯,૫૯૧ મતદાન મથકો ગોઠવવામાં આવ્યા હતા. દરેક મથક પર જરૂરી સુવિધાઓ સાથે સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત બનાવવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઘણા રાજકીય વિશ્લેષકો તેને વિધાનસભાની ‘સેમી ફાઈનલ’ તરીકે જાેઈ રહ્યા છે, કારણ કે આ પરિણામો આગામી રાજકીય દિશાને અસર કરી શકે છે.



