
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, તાજેતરમાં અંકલેશ્વર ખાતે પણ ખેડૂતોએ પાવર ગ્રીડ લાઇન એટલે કે વીજ લાઇનના પોલને લઈને ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતોએ આ મુદ્દે વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી હતી અને જ્યારે તેઓ રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવતાં આખો હાઇવે ચક્કાજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામ થવાને કારણે કલાકો સુધી આખો હાઇવે બ્લોક રહ્યો હતો. હવે સરકારે આ બાબત ગંભીરતાથી સમજવાની જરૂર છે, કારણ કે સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી ખેડૂતોનો એક જ અવાજ ઊઠી રહ્યો છે કે વીજ લાઇન માટે સરકારે જે કાગળો અને વળતર જાહેર કર્યા છે, તે વળતર ખેડૂતોને ક્યારેય માન્ય નથી.
પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતની ભાજપ સરકારે હવે સમયસર સમજી જવાની જરૂર છે અને ખેડૂતો જે વ્યાજબી માંગણી કરી રહ્યા છે તેને તાત્કાલિક ધોરણે પૂરી કરવી જોઈએ. આ સાથે જ પોલીસ પ્રશાસન, સરકારી તંત્ર અને સરકાર ખેડૂતોની વચ્ચે જે રોડાં નાખવાનું તેમજ અટકાવવાનું કામ કરી રહ્યા છે તે અત્યંત નિંદનીય છે. લોકશાહી દેશમાં ખેડૂતોને પોતાના હક્ક માટે વિરોધ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ તેમના આ વિરોધને કચડી નાખવાનું અને અટકાવવાનું કામ કરીને પ્રશાસન સરેઆમ લોકશાહીનું ગળું દબાવી રહ્યું છે, જે ખરેખર કઠિન અને ગંભીર બાબત છે.




