
એક કિલો ઘી રૂ.૫૦ મોંઘું, બટરના ભાવમાં વધારો.દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો.અમૂલ ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે. દિવાળીના તહેવાર પહેલાં જ અમૂલ દ્વારા ઘી અને બટરની કિંમતોમાં વધારો કરવામાં આવતાં ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડશે. કંપનીએ એક કિલો ઘીના પેકેટની કિંમતમાં રૂ.૫૦નો વધારો કર્યો છે. જ્યારે ૧૦૦ ગ્રામ બટરના પેકેટના ભાવમાં રૂ.૩નો વધારો કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન ઘી અને બટરની માંગ વધતી હોય છે ત્યારે ભાવવધારાથી ગૃહિણીઓના બજેટ પર અસર થવાની શક્યતા છે.
અમૂલ દ્વારા કરવામાં આવેલા ભાવવધારા મુજબ, એક કિલો ઘીના પેકેટની કિંમત અગાઉ રૂ.૬૩૦ હતી, જે વધારીને રૂ.૬૮૦ કરવામાં આવી છે. એટલે કે ગ્રાહકોએ હવે એક કિલો ઘી ખરીદવા માટે રૂ.૫૦ વધુ ચૂકવવા પડશે.
તેવી જ રીતે, ૧૦૦ ગ્રામ બટરના પેકેટની કિંમત રૂ.૬૩થી વધારીને રૂ.૬૬ કરવામાં આવી છે. આમ, બટરના ભાવમાં પણ રૂ.૩નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં ય્જી્ના દરોમાં ઘટાડા બાદ અમૂલે તેની અનેક ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો હતો. તે સમયે ઘી અને બટર સહિત આશરે ૭૦૦ જેટલી પ્રોડક્ટ્સના ભાવમાં રાહત આપવામાં આવી હતી.
અગાઉ એક કિલો ઘીનો ભાવ રૂ.૬૫૦થી ઘટાડીને રૂ.૬૧૦ કરવામાં આવ્યો હતો. જ્યારે પાંચ લિટરના ઘીના ટિનની કિંમત રૂ.૩,૨૭૫થી ઘટાડીને રૂ.૩,૦૭૫ કરવામાં આવી હતી. બટરના ૧૦૦ ગ્રામના પેકેટનો ભાવ રૂ.૬૨થી ઘટાડીને રૂ.૫૮ અને ૫૦૦ ગ્રામના પેકેટનો ભાવ રૂ.૩૦૫થી ઘટાડીને રૂ.૨૮૫ કરવામાં આવ્યો હતો. હવે ફરી ભાવવધારો થતાં ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડશે.
એક તરફ ઘી અને બટરના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અમૂલ ઘીની અછતની સમસ્યા પણ સામે આવી રહી છે. અમદાવાદ અને વડોદરાના વેપારીઓના જણાવ્યા અનુસાર બજારમાં અમૂલ ઘીનો સ્ટોક ઘટી રહ્યો છે. ખાસ કરીને અમૂલ ગાય ઘીની ઉપલબ્ધતા પર અસર જાેવા મળી રહી છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, ગણેશોત્સવ બાદ ઘીની માંગમાં વધારો થતાં સપ્લાય પર અસર પડી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ડી-માર્ટ સ્ટોરમાં મંગળવારે અમૂલ ઘી અને બટરનો સ્ટોક ખતમ થઈ ગયો હોવાનો પણ અહેવાલ છે.
આ સમસ્યા માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. અગાઉ જુલાઈ અને સપ્ટેમ્બર દરમિયાન પુણે તથા કોલકાતામાં પણ અમૂલની ડેરી પ્રોડક્ટ્સના સપ્લાયમાં ઘટાડાની ફરિયાદો સામે આવી હતી. બીજી તરફ, કર્ણાટકમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૨૯ ઓક્ટોબરે નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૮નો વધારો મંજૂર કર્યો હતો. આ વધારા બાદ ટોન્ડ દૂધના એક લિટરના પેકેટની કિંમત રૂ.૪૬થી વધીને રૂ.૫૪ થઈ છે. અહેવાલ મુજબ, વધારાના રૂ.૮માંથી રૂ.૭ પ્રતિ લિટર ડેરી ખેડૂતોને આપવામાં આવશે, જ્યારે બાકીના રૂ.૧ ડેરી યુનિયનને મળશે. પશુઆહાર, દવાઓ, પરિવહન અને પેકેજિંગના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. દિવાળી જેવા મોટા તહેવાર પહેલાં ઘી અને બટરના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણ બનાવવામાં ઘી તથા બટરનો વધુ ઉપયોગ થતો હોવાથી આ ભાવવધારાની અસર બજેટ પર જાેવા મળી શકે છે.




