
માઈક ફેંક્યું અને ખુરશીઓ ઉછાળી કોંગ્રેસના ધારાસભ્ય હરીશ ધામીનો મંચ પર હોબાળો ઉત્તરાખંડના જૌલજીબી મેળામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ રાજકીય વિવાદ; સંબોધન કરવાની તક ન મળ્યાનો ધારાસભ્યનો આરોપ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારત-નેપાળ સરહદે યોજાયેલા ઐતિહાસિક જૌલજીબી મેળામાં રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય હરીશ સિંહ ધામીએ મંચ પર માઈક ફેંકીને અને ખુરશીઓ ઉછાળીને હોબાળો મચાવ્યો હતો. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના કાર્યક્રમ બાદ બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધારાસભ્યએ તેમને સંબોધન કરવાની તક ન અપાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીને કાયર કહી તેમની સામે ચૂંટણી લડવાનો પડકાર પણ ફેંક્યો હતો. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે જૌલજીબી મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્ણ કરીને રવાના થયા બાદ ધારચૂલા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય હરીશ સિંહ ધામી પોતાના સમર્થકો સાથે મંચ પર પહોંચ્યા હતા. ધારાસભ્યનો આરોપ હતો કે તેઓ મેળા સમિતિના અધ્યક્ષ હોવા છતાં તેમને જનમેદનીને સંબોધવાની તક આપવામાં આવી નહોતી. જ્યારે તેમણે માઈક લઈને બોલવાનો પ્રયાસ કર્યો ત્યારે સાઉન્ડ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી. આ બાબતથી નારાજ ધારાસભ્યએ મંચ પર સાઉન્ડ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને માઈક ફેંકી દીધું હતું. ત્યારબાદ ખુરશીઓ અને મંચ પરની અન્ય વસ્તુઓ પણ ફેંકવામાં આવી હતી. ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. હંગામા દરમિયાન હરીશ ધામીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને નિશાન બનાવ્યા હતા. તેમણે મુખ્યમંત્રીને કાયર કહીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે જાે તેમનામાં હિંમત હોય તો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ધારચૂલા બેઠક પરથી તેમની સામે ચૂંટણી લડી બતાવે. ધારાસભ્યએ પોતાના મતવિસ્તારના વિકાસના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. તેમણે રસ્તાઓની ખરાબ સ્થિતિ, અગાઉ કરવામાં આવેલી વિકાસની જાહેરાતો અને સ્થાનિક લોકોની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાને લઈને કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યનું સમર્થન કર્યું હતું. પક્ષનાં પ્રવક્તા ગરિમા દસૌનીએ આરોપ લગાવ્યો હતો કે કાર્યક્રમના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી. તેમના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી જ્યારે કોઈ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમમાં હાજરી આપે ત્યારે ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્યને મંચ પર સ્થાન અને સંબોધન કરવાની તક મળવી જાેઈએ. જાેકે, હરીશ ધામીને આ તક આપવામાં આવી નહોતી. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યના વર્તનની ટીકા કરી હતી. ભાજપના નેતાઓએ જાહેર કાર્યક્રમમાં માઈક અને ખુરશીઓ ફેંકવાની ઘટનાને અયોગ્ય ગણાવી હતી અને તેમની સામે એફઆઈઆર નોંધવાની માગ કરી હતી.




