
ચૂંટણી પ્રક્રિયા ૧૯ જાન્યુઆરીથી શરૂ થશે.ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી.૨૦ જાન્યુઆરીએ નવા અધ્યક્ષનું નામ જાહેર કરી દેવાશે.ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા ૧૯ જાન્યુઆરીથી શરૂ થશે. ભાજપના કેન્દ્રીય ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૯ જાન્યુઆરીએ ચૂંટણી ફોર્મ ભરવામાં આવશે, જ્યારે ૨૦ જાન્યુઆરીએ નવા અધ્યક્ષનું નામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવશે. હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન આ પદ માટે મુખ્ય દાવેદાર છે અને તેમના નિર્વિરોધ ચૂંટાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. નામાંકન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રસ્તાવક તરીકે હાજર રહી શકે છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જાે ૪૬ વર્ષીય નીતિન નબીન અધ્યક્ષ તરીકે ચૂંટાઈ જાય, તો તેઓ ભાજપના ઇતિહાસમાં સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. જે.પી. નડ્ડાના લાંબા કાર્યકાળ બાદ આ ચૂંટણી સંગઠનમાં મોટા ફેરફારનો સંકેત આપે છે. નોંધનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૫માં કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદથી જ નીતિન નબીને સંગઠનને મજબૂત બનાવવા પર પૂરતું ધ્યાન આપ્યું હતું. ખાસ કરીને બૂથ સ્તરે તેમણે ઘણી મહેનત કરી હતી. હવે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમની સામે ઘણા મોટા પડકારો હશે, જે પાર્ટીની રણનીતિ, ચૂંટણી પ્રદર્શન અને ભવિષ્યને પ્રભાવિત કરશે. નીતિન નબીનનો કાર્યકાળ ૩ વર્ષનો હશે.




