
અમેરિકાની કોર્ટનો ટ્રમ્પને છુટ્ટો દોર! અંતિમ ચુકાદા સુધી ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્વભરમાંથી આવતી ચીજવસ્તુઓ પર ૧૦% ગ્લોબલ ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રેડ વોર મોરચે એક મોટી કાનૂની સફળતા મળી છે. અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્વભરમાંથી આવતી ચીજવસ્તુઓ પર ૧૦% ગ્લોબલ ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ મામલે કોઈ અંતિમ ચુકાદો ન આવી જાય ત્યાં સુધી સરકાર આ ટેક્સ વસૂલ કરી શકે છે. કોર્ટના આ ર્નિણયને પગલે ભારત સહિત વિશ્વભરના બજારોમાં હલચલ તેજ થઈ ગઈ છે, કારણ કે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર પડવાની છે.
વાસ્તવમાં આ સમગ્ર વિવાદ ગત મહિને ત્યારે શરૂ થયો હતો જ્યારે ન્યૂયોર્કની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પના આ ૧૦% ટૅરિફને ગેરકાનૂની ગણાવ્યો હતો. અદાલતનું કહેવું હતું કે, ટ્રમ્પે ટૅરિફ લાદવામાં સંસદ(કોંગ્રેસ)ના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
પરંતુ હવે વોશિંગ્ટનની કોર્ટ ઑફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટએ તેના પર સ્ટે લગાવી દીધો છે. અદાલતે કહ્યું કે, પ્રાથમિક દૃષ્ટિએ પ્રમુખ ટ્રમ્પ વહીવટીતંત્રનો પક્ષ મજબૂત લાગી રહ્યો છે, તેથી આ મામલાની સંપૂર્ણ સુનાવણી અને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ટૅરિફની વસૂલાત ચાલુ રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ ૧૦%નો વૈશ્વિક ટૅરિફ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રેડ ઍક્ટ ૧૯૭૪ની કલમ ૧૨૨ હેઠળ લગાવ્યો હતો. આ ર્નિણય ત્યારે આવ્યો હતો જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના જૂના અને વધુ પડતા ભારે ટૅરિફ પ્લાનને ફગાવી દીધો હતો.
કલમ ૧૨૨ હેઠળ અમેરિકન પ્રમુખને આ અધિકાર મળે છે કે તેઓ દેશની આંતરરાષ્ટ્રીય ચૂકવણીની કટોકટી (પેમેન્ટ ક્રાઇસિસ) અથવા વધી રહેલી વ્યાપારી ખાધને સરભર કરવા માટે ૧૫૦ દિવસ માટે ૧૫% સુધીનો ટેક્સ લાદી શકે છે. ટ્રમ્પનો આ વર્તમાન ૧૦% ટેક્સ ૨૪ જુલાઈ સુધી લાગુ રહેશે, અને તેને આગળ વધારવા માટે સંસદ(કોંગ્રેસ)ની મંજૂરી મેળવવી જરૂરી રહેશે.
અમેરિકાની અદાલતના આ ચુકાદાની ભારત પર મિશ્ર, પરંતુ ગંભીર અસર જાેવા મળી શકે છે. અમેરિકા એ ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે, આવી સ્થિતિમાં ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ચીજવસ્તુઓ પર જ્યારે ૧૦%નો વધારાનો ટેક્સ લાગશે, ત્યારે તે ત્યાં મોંઘી થઈ જશે.
આ ર્નિણયના કારણે સૌથી વધુ નુકસાન ભારતના કાપડ ઉદ્યોગ (ટેક્સટાઈલ્સ), જેમ્સ ઍન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ સામાન બનાવતા સેક્ટર્સને થઈ શકે છે, કારણ કે અમેરિકન બજારોમાં તેની માગ ઘટવાનું જાેખમ ઊભું થશે.



