
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ઈરાન અમેરિકા સાથે વાટાઘાટોમાં મોટી રાહતો આપી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાન અત્યારે ઘણું નમતું જાેખી રહ્યું છે અને અમેરિકાની માંગણી સતત પૂરી કરી રહ્યું છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન અમેરિકા સાથેની વાટાઘાટોમાં બહુ મોટી રાહતો આપી રહ્યું છે. ચર્ચા આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવાની સાથે જ તેમણે કડક શબ્દોમાં એવી ચેતવણી પણ આપી છે કે, જાે જરૂર પડશે તો અમેરિકા તેના સુરક્ષા દળોનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે.
વ્હાઇટ હાઉસમાં નાટો (NATO)ના મહાસચિવ માર્ક રૂટે સાથેની બેઠક દરમિયાન, પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથેની રાજદ્વારી વાતચીત અંગે હકારાત્મક વલણ દાખવ્યું હતું. જાેકે, તેમણે સાથે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે જાે વાટાઘાટો નિષ્ફળ જશે, તો લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ હજુ પણ ખુલ્લો જ છે.
રિપબ્લિકન સાંસદો સાથેની લંચ મીટિંગ પહેલાં ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન સામેનું યુદ્ધ બહુ સારી સ્થિતિમાં છે અને અમેરિકા તેમાં જીતી રહ્યું છે. ઈરાન અત્યારે ઘણું નમતું જાેખી રહ્યું છે અને અમેરિકાની માંગણીઓ સતત પૂરી કરી રહ્યું છે.
ટ્રમ્પે કડક વલણ અપનાવતા કહ્યું કે, ઈરાન અત્યારે બહુ સારું વર્તન કરી રહ્યું છે અને અને તેઓ મારી દરેક વાત માની રહ્યા છે, કારણ કે તેમને માનવી જ પડશે. જાે તેઓ એવું નહીં કરે, તો અમારી પાસે લશ્કરી કાર્યવાહી જેવા અન્ય વિકલ્પો પણ તૈયાર જ છે.
આ ઉપરાંત, અમેરિકન કોંગ્રેસમાં ઈરાન યુદ્ધ પ્રસ્તાવ પર થઈ રહેલા મતદાન અંગે નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે, આવી પ્રક્રિયાથી ઈરાન પાસે ખોટો અને ભ્રમિત કરતો સંદેશ જાય છે, જેની અત્યારે કોઈ જરૂર નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભવિષ્યમાં એવા કોઈપણ કરારનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, જે અંતર્ગત ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય શિપિંગ પર કોઈ ચાર્જ કે ટેક્સ લગાવવાની મંજૂરી મળે. આ અંગે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ બાબત મને ક્યારેય મંજૂર નહીં થાય અને હું તેની મંજૂરી નહીં આપું.
ઉલ્લેખનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્ત્વના ઊર્જા ચોકપોઇન્ટ્સ (ટ્રેડ રૂટ)માંથી એક છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ઓઇલ સપ્લાય થાય છે. નાટોના મહાસચિવ માર્ક રૂટે ટ્રમ્પની ઈરાન પોલિસીનું સંપૂર્ણ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ;ટ્રમ્પની આ નીતિનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવાનો છે. જાે ઈરાન પરમાણુ ક્ષમતા હાસિલ કરી લેશે, તો તે માત્ર ઈઝરાયલ કે યુરોપ માટે જ નહીં, પરંતુ પૂરી દુનિયાની સુરક્ષા માટે મોટો ખતરો બની જશે. કારણ કે ઈરાનને અરાજકતા અને આતંકવાદ ફેલાવતો દેશ છે.



