
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
વિશ્વમાં પૈડાની શોધથી લઈને વરાળ યંત્ર, પ્રિન્ટીંગ પ્રેસ, વીજળી, ટેલિફોન અને છેવટે પર્સનલ કમ્પ્યુટર કે ઇન્ટરનેટ સુધીની સફર તરફ નજર નાખો, પ્રત્યેક નવી ક્રાંતિને પ્રયોગશાળાની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને સામાન્ય માનવીના દૈનિક જીવનમાં ભળતાં દાયકાઓ અને કેટલીક વાર તો સદીઓનો સમય લાગ્યો હતો. આ ધીમી પ્રક્રિયા પાછળ કુદરતી સુરક્ષા કવચ એ હતું કે સમાજ, કાયદાકીય તંત્ર અને માનવીય મગજને તે નવી શોધના સંભવિત જોખમો સમજવા, તેને પચાવવા અને તેના નિયમન માટે પૂરતો સમય મળી રહેતો હતો. માણસ હંમેશા સાધનોનો માલિક રહ્યો હતો અને ટેકનોલોજી તેની સેવક બનીને રહી હતી. બીજી તરફ છેલ્લાં વર્ષોમાં વિજ્ઞાન અને વિકાસના અંધાધૂંધ ઉન્માદ માં માણસે એવા અદ્રશ્ય, અનિયંત્રિત અને સ્વાયત્ત રાક્ષસ મુક્ત કરી દીધો છે, જે આજે પોતાના જ જન્મદાતા (માણસ) ને ભરખી જવા માટે પોતાનું ડિજિટલ જડબું ફાડીને ઊભો છે. આ સંવેદનહીન ટેકનોલોજી સ્વરૂપ અસુર નું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI). આજે દુનિયાભરમાં AI નો જે હદે આંધળો અને બેફામ ઉપયોગ થઇ રહ્યો છે, કે વૈશ્વિક સભ્યતાને અસ્તિત્વના એવા ખતરનાક ત્રિભેટે લાવીને પટકી દીધી છે જ્યાંથી આગળ વિનાશ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી.
આમાં માણસ પોતાની યાદશક્તિ ગુમાવી રહ્યો છે, સામાન્ય સરવાળા-બાદબાકી માટે કે બે લીટીનો પત્ર લખવા માટે પણ તે કોમ્પ્યુટર પર નિર્ભર થઈ ગયો છે. માનવીય મગજ જે લાખો વર્ષોના સંઘર્ષ પછી ધારદાર બન્યું હતું, તે હવે ડિજિટલ કાખઘોડીના સહારે લકવાગ્રસ્ત બની રહ્યું છે. એઆઈ ની અગાધ ક્ષમતા સામે માણસની બુધ્ધિની તુચ્છ મર્યાદાઓ સ્પષ્ટપણે ખુલ્લી પડી ગઈ છે. આ છે AI નો પાવર…




