
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ગઈકાલે કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત આદિવાસી મોરચાની પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને સંગઠનના ઉચ્ચ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ જ કેવડિયામાં પોતાના ઘર-જમીનો ગુમાવનારા વિસ્થાપિતો આજે પણ ન્યાય માટે ટાવરો પર ચડી રહ્યા છે. જે ડેમો અને કેનાલોથી હજારો કિલોમીટર દૂર પાણી પહોંચે છે, ત્યાંના સ્થાનિક આદિવાસીઓ આજે પણ પીવાના અને સિંચાઈના પાણીથી વંચિત છે. ખોપી ગામ જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે, પરંતુ ભાજપના નેતાઓ માત્ર મુલાકાતો લઈને અને મોટી મોટી વાતો કરીને વાહવાહી લૂંટી રહ્યા છે તથા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પ્રદેશ બેઠક દરમિયાન જ્યારે મીડિયાએ આદિવાસી પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવા અને અન્ય પ્રતિનિધિઓને વિસ્થાપિતો અને ખેડૂતોના પ્રશ્નો અંગે પૂછપરછ કરી, ત્યારે તેઓ જવાબ આપવાને બદલે ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા હતા.
વર્ષોથી આદિવાસી બેલ્ટમાંથી ચૂંટાઈને આવતા નેતાઓની નૈતિક જવાબદારી બને છે કે તેઓ પ્રજાની સમસ્યાઓ સાંભળે અને તેનો યોગ્ય ઉકેલ લાવે. કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ સરકાર હોવા છતાં, આજે પણ પાણી, જમીન અને સનદના હક માટે આદિવાસીઓએ પોલીસ તથા ફોરેસ્ટ વિભાગ સાથે ઘર્ષણ કરવું પડે છે. નિરંજન વસાવાએ વહીવટીતંત્ર અને સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આગામી ૩૧ ઓક્ટોબર પહેલાં કેવડિયાના વિસ્થાપિતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ તમામ સંગઠનો અને આગેવાનોને સાથે રાખીને દેશના વડાપ્રધાનના કાર્યક્રમનો સખત વિરોધ કરશે. આ ઉપરાંત, ખોપી ગામના ખેડૂતોને તેમની સનદની જમીનનો યોગ્ય ન્યાય નહીં મળે, તો આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરવામાં આવશે અને તેનાથી ઊભી થનારી તમામ પરિસ્થિતિ માટે વર્તમાન સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે.




