
કુલગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા લશ્કરનો કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકી ઠાર સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો લતીફ ભટ; એકે-૪૭ સહિત હથિયારો જપ્ત દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના લારુ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરનો બચેલો એકમાત્ર કમાન્ડર મોહમ્મદ લતીફ ભટ પણ સામેલ છે. કુલગામમાં તાજેતરમાં સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાનો તે મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો. સુરક્ષા દળોની આ કાર્યવાહીથી ખીણમાં લશ્કર-એ-તૈયબાને મોટો ઝટકો લાગ્યો છે. મૂળ દક્ષિણ કાશ્મીરના કુલગામનો રહેવાસી મોહમ્મદ લતીફ ભટ છેલ્લા કેટલાક મહિનાઓથી લશ્કર માટે મહત્ત્વના ઓપરેટિવ તરીકે કામ કરતો હતો. તે નાના પાયે ટાર્ગેટેડ હુમલા કરીને મહિનાઓ સુધી અંડરગ્રાઉન્ડ થઈ જવામાં અને સ્થાનિક વસ્તીમાં ભળી જવામાં ચાલાકી ધરાવતો હતો. એન્કાઉન્ટર બાદ તેની પાસેથી એકે-૪૭ રાઈફલ સહિતનો જથ્થો મળી આવ્યો છે. કુલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ લતીફ ભટ અને તેના સાથીઓ બિલાલ અહમદ મીર, મોહમ્મદ ઉમર મીર તથા આબિદ ક્યૂમની માહિતી આપવા માટે પોસ્ટરો લગાવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે ભટ જમ્મુ-કાશ્મીરમાં જ છુપાયેલો હતો, જ્યારે તેના અન્ય સાથીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં છુપાયા હોવાની વિગતો મળી છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં સંગઠનને ફરી બેઠું કરવા અને સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ભટ તરફથી હટાવવા માટે લશ્કર-એ-તૈયબા દ્વારા પાસબાન-એ-હુર્રિયત કાશ્મીર જેવા પ્રોક્સી સંગઠનો ઊભા કરી મોહમ્મદ અઝ્ઝમ જેવા શખ્સોને પ્રવક્તા તરીકે રજૂ કરવાની રણનીતિ અપનાવાઈ હતી. જાેકે, સુરક્ષા દળોએ સચોટ ઓપરેશન પાર પાડીને ભટનો ખેલ ખતમ કરી દીધો છે.




