
કોંગ્રેસે દાવો કર્યો છે કે, દરેક સ્કૂલ દીઠ ઓછામાં ઓછા દસ શિક્ષકો ફરજિયાત સભામાં આવે તેવો મેસેજ કરાયા.અમદાવાદમાં પીએમની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીની કવાયત
અમદાવાદમાં તારીખ ૨૫ ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે દરેક શાળામાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા મિટિંગો યોજાઈ રહી છે. વોટ્સએપ સંદેશો અને શાળાના આચાર્યોને આપવામાં આવેલી સૂચનાઓના આધારે, શિક્ષકોને નક્કી કરેલા સ્થળે હાજર રહી AMTS બસ દ્વારા સભા સ્થળે લઈ જવાની વ્યવસ્થા પણ કરાઈ છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, આગામી તારીખ ૨૫ ના રોજ વડાપ્રધાનની સભા માટે અમદાવાદની દરેક સ્કૂલ દીઠ ઓછામાં ઓછા દસ શિક્ષકો ફરજિયાત સભામાં આવે તેવો મેસેજ કરવામાં આવ્યો છે અને દરેક બીટમાં વડાપ્રધાનની સભા સફળ કરવા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મિટિંગ લઈ રહ્યા છે. શાળાના આચાર્યને એમ પણ કહી દેવામાં આવ્યું છે કે જાે ૧૦ કરતા વધારે શિક્ષક આવવા માગતા હોય તો પછી શાળામાં સંપૂર્ણ રજા રાખવી પડે તો પણ તમને રજા આપવા માટે મંજૂરી આપવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
શિક્ષકોના એક વોટ્સએપ ગ્રૂપમાં મૂકવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, તમામ આચાર્ય પ્રધાનમંત્રીનો ૨૫ તારીખના નિકોલ ખાતે પ્રોગ્રામ હોવાથી આપની શાળાના શિક્ષકની સ્ટાફ માહિતી ભરી દેવાની રહેશે. જેમાં તેમને સમયસર જણાવેલ સ્થળ પર હાજર રહેવાનું રહેશે. તમામ આચાર્ય આપની શાળાના શિક્ષક મિત્રોને જણાવશો કે તારીખ ૨૫ /૮/૨૦૨૫ના રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બપોર ૨.૩૦ કલાકે I.P.Mission સ્કૂલ ખાતે બસની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. તો તમામ આચાર્ય આપની શાળાના શિક્ષક ફરજિયાત બસમાં જ જવાનું છે તો સીધા કોઈ જશે નહી સમયસર બસમાં આવી જવાનું રહેશે. આ ધ્યાને લેશો.કોંગ્રેસ પ્રવક્તાનો આક્ષેપ છે કે, એક તરફ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ નથી મળતું અને બીજી તરફ ભાજપના શાસનમાં નરેન્દ્રભાઈ મોદીની સભા માટે પ્રજાનું જ્યારે સમર્થન મળી રહ્યું નથી. ત્યારે વિવિધ પ્રકારના ગતકડાઓ દ્વારા સભા ભરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વળી આચાર્યને કહી દેવામાં આવ્યું છે કોઈ શિક્ષકોએ સીધુ સભામાં જવાનું નથી પરંતુ સૌ પ્રથમ નક્કી કરેલ જગ્યા પર પહોંચવાનું છે અને ત્યાંથી એએમટીએસની બસમાં ગણતરી કરીને સભામાં હાજરી આપવાની છે. ગુજરાતની અંદર શિક્ષકોને અત્યાર સુધી તીડ ભગાડવા મોકલવામાં આવતા હતા, કોરોનામાં લાશો ગણવા માટે મોકલ્યા હતા, સ્વ ખર્ચે પ્રવેશોત્સવ કરાવડાવાય છે, પરંતુ હવે શક્તિ પ્રદર્શન બતાવવા વડાપ્રધાનની સભામાં ખાલી ખુરશીઓ ભરવા શિક્ષકોનો ઉપયોગ થાય છે અને વિદ્યાર્થીઓના ભણતર પ્રત્યે દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે આ અત્યંત ગંભીર બાબત છે, તેવો કોંગ્રેસે પ્રહાર કર્યો છે.
