
કો-પાયલટનાં કર્યાં વખાણ આવા અનેક હુમલા કરીશું, ફ્લાય દુબઈ કાંડમાં અલ-કાયદાની એન્ટ્રી આગળ પણ આવા વધુ હુમલા કરાશે અને ઈઝરાયેલ-અમેરિકાનું નામોનિશાન મિટાવી દઈશું : આતંકી સંગઠન ફ્લાયદુબઈ કાંડમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી UAE ની કોર્ટે જ આને આતંકી હુમલો ગણાવ્યો હતો, ત્યારે હવે આતંકી સંગઠન અલ-કાયદાએ આ ઘટનાની પ્રશંસા કરીને એવો દાવો કર્યો છે કે આ ૧૮૧ લોકોને એકસાથે મારવાનું કાવતરું હતું. અલ-કાયદા સાથે જાેડાયેલા એક પ્રકાશનમાં અમેરિકન અને ઈઝરાયેલી મુસાફરોને લઈ જતા વિમાનોને નિશાન બનાવવાની અપીલ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, સંગઠન સાથે જાેડાયેલા સમર્થકોએ પોતાના તાજેતરના સાપ્તાહિક પ્રકાશનમાં વર્ષ ૨૦૦૧ના ૯/૧૧ હુમલાનો ઉલ્લેખ કરીને આવા જ હુમલાનું પુનરાવર્તન કરવાની વાત કરી છે.
અહેવાલ મુજબ, આ સામગ્રી અલ-કાયદા સમર્થક ટેલિગ્રામ ચેનલો પર શેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવી હતી. લેખમાં તાજેતરમાં દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, આ લેખ અરબી ભાષામાં લખવામાં આવ્યો છે અને જિહાદી કો-પાયલટનાં ભરપૂર વખાણ કરવામાં આવ્યાં છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી વધુ ઘટનાઓને અંજામ આપવામાં આવશે અને ઈઝરાયેલ-અમેરિકાને ખતમ કરી દેવામાં આવશે.
લેખમાં અમેરિકા અને ઈઝરાયેલના નાગરિકોને લઈ જતા વિમાનોને નિશાન બનાવવાની અપીલ કરવામાં આવી છે. તેમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના હુમલાનો સંદર્ભ આપતાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન અને ઈઝરાયેલી વિમાનોને હજુ પણ નિશાન બનાવી શકાય છે. લેખમાં ૯/૧૧ હુમલા દરમિયાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાયેલા વિમાનની તસવીર સાથે ફ્લાયદુબઈ વિમાન સાથે જાેડાયેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરક્ષા નિષ્ણાતો માટે આ પ્રકારની સામગ્રીને ગંભીર ખતરા તરીકે જાેવામાં આવી રહી છે.
અલ-કાયદાની એક શાખા તરફથી પ્રકાશિત કરવામાં આવેલો આ લેખ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ફ્લાયદુબઈ કાંડ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટમાં ઉડાન દરમિયાન ગંભીર કટોકટી સર્જાઈ હતી. વિમાન દુબઈથી તેલ અવીવ જઈ રહ્યું હતું અને તેમાં ૧૭૦થી વધુ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાની હવાઈ સીમામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વિમાને અચાનક જાેરદાર વળાંક લીધો અને થોડા જ સમયમાં લગભગ ૧૬,૦૦૦ ફૂટથી વધુ નીચે આવી ગયું હતું. ફ્લાઇટ તરફથી ઇમરજન્સી અને હાઇજેકિંગના કોડ મોકલવામાં આવ્યા હતા. જાેકે બાદમાં વિમાનનો માર્ગ બદલવામાં આવ્યો અને તેને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.
બાદમાં જાણવા મળ્યું કે કોકપિટમાં હાજર કો-પાયલટ હમામ અલ-હમામીએ કોકપિટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા. હુમલામાં કોકપિટમાં ઇમરજન્સી માટે રાખવામાં આવેલી કુહાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘાયલ કેપ્ટને કોઈક રીતે કોકપિટનો દરવાજાે ખોલ્યો હતો. ત્યારબાદ મુસાફરો અંદર પહોંચ્યા અને કો-પાયલટને કાબૂમાં લીધો હતો. જેના પછી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી.




