
આમ આદમી પાર્ટી કિસાન સેલના પ્રદેશ ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજ રાણસરીયાએ ગુજરાત સરકારના ’સમૃદ્ધિ’ ના દાવાઓ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓનો હવાલો આપતાં જણાવ્યું કે, વિકાસના બણગા ફૂંકતી ભાજપ સરકારમાં ગુજરાતનો ખેડૂત ભારે દેવાદાર બની ગયો છે. કેન્દ્રના આંકડા મુજબ ગુજરાતના ખેડૂતો પર કુલ ₹૧,૬૮,૪૬૦ કરોડનું કિસાન દેવું છે, જેમાં ₹૧,૦૫,૦૯૭ કરોડ જેટલો મોટો બોજો તો માત્ર પાક લોનનો છે. આ આંકડા કોઈ અંગત બનાવટ નથી પણ સરકારી રેકોર્ડ છે, જે દર્શાવે છે કે અન્ય ઘણા રાજ્યોના કુલ સરવાળા જેટલું એકલું દેવું ગુજરાતના ખેડૂતો માથે છે. માત્ર ચોપડા પર જ ખેડૂત સમૃદ્ધ દેખાય છે, જ્યારે વાસ્તવિકતામાં તે દિવસેને દિવસે આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યો છે.
સરકારની ખેડૂત વિરોધી નીતિઓ પર પ્રહાર કરતાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પંકજ રાણસરિયાએ ઉમેર્યું કે, તાજેતરમાં દ્વારકા સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હોવા છતાં સરકારે તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત આપી નથી. બીજી તરફ, ખેતી માટે જરૂરી ડીએપી ખાતર, વીજળી અને ટ્રેક્ટરમાં વપરાતા ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેનાથી ખેતીનો ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. ખેડૂત ઉત્પાદન વધારે છે પણ તેની પડતર મોંઘી થતાં તે દેવાના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકતો નથી. પંકજ રાણસરીયાએ ગુજરાતના આશરે ૬૦ લાખ ખેડૂતોને અપીલ કરી છે કે આ બેધારી નીતિ ધરાવતી સરકાર સામે પોતાના હક અને ન્યાય માટે એક થઈને લડત આપે અને ૨૦૨૭ની ચૂંટણીમાં આ નીતિઓનો યોગ્ય જવાબ આપે.




