
કલાકો સુધી ફસાયા વાહનો ઉત્તરાખંડના મસૂરી-કૈંચી ધામથી લઈને હિમાચલના મનાલી સુધી પ્રવાસીઓનું ઘોડાપૂર મસૂરી-દહેરાદૂન હાઈવે, કૈંચી ધામ અને ઋષિકેશમાં પણ ભારે ભીડથી વાહનવ્યવહાર ખોરવાયો ૨ ઓક્ટોબરની રજા અને લોંગ વીકેન્ડના સંયોગથી પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓનો જબરદસ્ત ધસારો જાેવા મળ્યો છે. હવામાન ખુશનુમા બનતાં જ હજારો પ્રવાસીઓ પહાડો તરફ વળ્યા છે, જેના કારણે ટ્રાફિક અને વહીવટી વ્યવસ્થાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
મનાલીમાં ૨ દિવસમાં ૪૦૦૦થી વધુ વાહનોની એન્ટ્રી: હોટેલો ૮૦% પેક એક અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન મનાલીમાં પ્રવાસીઓનો મોટો ધસારો નોંધાયો છે: વાહનોની ભારે આવક: છેલ્લા બે દિવસમાં ગ્રીન ટેક્સ બેરિયર થઈને ૪૦૦૦થી વધુ પર્યટક વાહનો મનાલી શહેરમાં પ્રવેશ્યા છે.
ટ્રાફિક જામની સ્થિતિ: મોહલ, ભૂંતર, રામશિલા, બાહંગ અને મનાલીના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે. ગ્રીન ટેક્સ બેરિયર આલુ ગ્રાઉન્ડથી વોલ્વો બસ સ્ટેન્ડ સુધી વાહનો ધીમી ગતિએ રિંગાઈ રહ્યા છે.
હોટેલ વ્યવસાયમાં તેજી: વીકેન્ડને પગલે મનાલી અને આસપાસના વિસ્તારોમાં હોટેલ ઓક્યુપન્સી ૭૦થી ૮૦ ટકા સુધી પહોંચી ગઈ છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને હોટેલિયર્સમાં ખુશીનો માહોલ છે.
પ્રવાસન સ્થળો પર ભીડ: અટલ ટનલ રોહતાંગ, સોલંગનાલા, ગુલાબા, મઢી, સિસુ અને હિડિમ્બા મંદિર જેવા મુખ્ય આકર્ષણો પર હજારો સહેલાણીઓ પહોંચી રહ્યા છે.
ઉત્તરાખંડમાં પહાડોની રાણી મસૂરી અને મસૂરી-દહેરાદૂન માર્ગ પર ભારે જામના દ્રશ્યો સર્જાયા છે:
મિનિટોની મુસાફરી કલાકોમાં ફેરવાઈ: થોડા જ સમયમાં કપાઈ જતું અંતર પાર કરવા માટે પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને કલાકો સુધી વાહનોમાં બેસી રહેવું પડ્યું હતું.
સાંકડા રસ્તા અને પાર્કિંગ સમસ્યા: રસ્તા પર આડેધડ પાર્કિંગને કારણે માર્ગો વધુ સાંકડા બન્યા હતા. પોલીસની વન-વે વ્યવસ્થા અને ડાયવર્ઝન પ્લાન વાહનોના ભારે દબાણ સામે ટૂંકા પડ્યા હતા.
કાયમી વ્યવસ્થાની માંગ: પીક સીઝન અને રજાઓમાં વારંવાર સર્જાતી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે દીર્ઘકાલીન ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
મસૂરીમાં મંત્રી અને એમ્બ્યુલન્સ ફસાયા: માલ રોડના ભગત સિંહ ચોક, લાઇબ્રેરી ચોક અને કિંગ્રેગમાં વાહનોના પૈડાં થંભી ગયાં હતાં. ભગત સિંહ ચોક પાસે એક ગંભીર એમ્બ્યુલન્સ સાથે કેબિનેટ મંત્રી ગણેશ જાેશી પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા.
કૈંચી ધામ માર્ગ પર ૩ કલાકથી વધુ સમય વાહનો અટક્યા: બાબા નીમ કરોલી મહારાજના કૈંચી ધામ ખાતે દર્શનાર્થે પહોંચેલા ભક્તોના કારણે ભીમતાલથી કૈંચી ધામ વચ્ચે વાહનો થંભી ગયાં હતાં, જેનાથી અલ્મોડા, પિથોરાગઢ, રાનીખેત, ધારચૂલા અને હલ્દ્વાની તરફ જતા મુસાફરો કલાકો સુધી ફસાયા હતા.
ઋષિકેશમાં નેપાલીફાર્મથી નીરગડ્ડ સુધી અઢી કલાક: ભારે ભીડને પહોંચી વળવા પોલીસે વાહનોને બ્રહ્મપુરીથી લક્ષ્મણઝૂલા થઈ પશુલોક બેરાજ તરફ વાળવા પડ્યા હતા.
જ્ર્યોતિમઠથી વિષ્ણુપ્રયાગ ૭ કિમી લાંબી લાઇન: બદરીનાથ ધામ અને હેમકુંડ સાહિબ યાત્રાના કારણે જ્ર્યોતિમઠ-વિષ્ણુપ્રયાગ માર્ગ પર ૭ કિલોમીટર સુધી વાહનોની અનંત કતારો ખડકાઈ ગઈ હતી.




