
પતિને પત્નીના બાજુના ગામના એક વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાની શંકા હતી પાક.માં ઓનર કિલિંગ : પતિએ પત્ની અને ૫ બાળકોની કુહાડી મારી હત્યા કરી પાકિસ્તાનમાં દર વર્ષે અંદાજે ૧,૦૦૦ મહિલાઓની ‘સન્માન’ના નામે હત્યા કરવામાં આવે છે : માનવ અધિકાર સંગઠન ઓનર કિલિંગની સમસ્યા પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ગંભીર સામાજિક દૂષણ બની રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સોમવારે એક વ્યક્તિએ ‘સન્માન’ના નામે પોતાની પત્ની અને પાંચ બાળકોની કુહાડીના ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.આ ઘટના લાહોરથી આશરે ૨૦૦ કિમી દૂર સરગોધા જિલ્લાના એક ગામમાં વહેલી સવારે બની હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શંકાસ્પદ આરોપી મોહમ્મદ યાસીને તેની ૪૫ વર્ષીય પત્ની, ૧૫ વર્ષની પુત્રી અને ૧ થી ૧૨ વર્ષની વયના ચાર પુત્રોની હત્યા કરી હતી. તેને શંકા હતી કે તેની પત્નીને નજીકના ગામના એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે.વધુમાં, તેને એવી પણ શંકા હતી કે આ બાળકોમાંથી કેટલાક તેના પોતાના નથી. આ હત્યા કેસમાં યાસીનની ધરપકડ કરવામાં આવી છે અને તેણે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. પોલીસે કરેલી પૂછપરછમાં યાસીને કબૂલાત કરી કે, ‘‘જ્યારે મને ખબર પડી કે મારી પત્નીનો કોઈની સાથે સંબંધ છે અને તે તેના પ્રેમી સાથે ભાગી જવાની યોજના બનાવી રહી છે, ત્યારે મેં તેને અને મારા તમામ બાળકોને મારી નાખવાનું નક્કી કર્યું, કારણ કે મને શંકા હતી કે તેમાંથી કેટલાક બાળકો મારા નથી.’’પોલીસના જણાવ્યા અનુસાર, પત્ની અને બાળકો સૂતા હતા ત્યારે મધરાતે યાસીને તેમના પર કુહાડી વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આરોપીએ જણાવ્યું કે તેણે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યાે હતો અને તે ઘાયલ થયો હતો. હાલ આરોપીની હાલત સ્થિર છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. માનવ અધિકાર સંગઠનોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે અંદાજે ૧,૦૦૦ મહિલાઓની ‘સન્માન’ના નામે હત્યા કરવામાં આવે છે.




