
નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી બીઆરટીએસ હવે ૧૨:૩૦ વાગ્યા સુધી દોડાવામાં આવશે નવરાત્રીના ઉત્સવને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો
અમદાવાદ શહેરમાં નવરાત્રીના ઉત્સવને ધ્યાનમાં રાખીને મોડી રાત સુધી ગરબા રમતા ખેલૈયાઓ અને નાગરિકો માટે વાહનવ્યવહારની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. તહેવારો દરમિયાન લોકો મોડી રાત્રે પણ સરળતાથી ઘરે પહોંચી શકે તે માટે મેટ્રો રેલ સેવા રાત્રે બે વાગ્યા સુધી અને જીએમડીસી ગ્રાઉન્ડથી બીઆરટીએસ (BRTS) બસ સેવા રાત્રે ૧૨:૩૦ વાગ્યા સુધી દોડાવવાનો મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.અમદાવાદમાં સામાન્ય રીતે મેટ્રો રેલ રાત્રે ૧૧ વાગ્યા સુધી કાર્યરત હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારને પગલે આગામી ૧૯ ઓક્ટોબર સુધી ખાસ સમયપત્રક ગોઠવવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરના ચાર મુખ્ય મેટ્રો સ્ટેશનો — વસ્ત્રાલ, થલતેજ, કોટેશ્વર અને એપીએમસી થી રાત્રે ૨:૦૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, એપીએમસીથી ગાંધીનગર સેક્ટર-૧ સુધીના રૂટ પર રાત્રે ૧૨:૪૫ (પોણા બે) વાગ્યા સુધી મેટ્રો રેલ ચાલુ રાખવામાં આવશે.જાેકે, મોડી રાતના વધારાના સમયગાળા દરમિયાન મુસાફરી કરનારા લોકોએ સામાન્ય ટિકિટ કે રેગ્યુલર પાસના બદલે રૂપિયા ૫૦ની સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદવી પડશે. એટલે કે વધારાના કલાકોમાં આ મોંઘી પેપર ટિકિટ જ માન્ય ગણાશે અને મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે.




